Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વેપારીઓ સરકાર સામે કરશે ઇચ્છામૃત્યુની માગ :કરોડો રૂપિયા સલવાયા

કંપનીએ છેલ્લા દોઢ વર્ષથી એક પણ પેમેન્ટની ચૂકવણી કરી નથી:

અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થવાના કારણે અમદાવાદીઓમાં આનંદ છે, પરંતુ મેટ્રો પ્રોજેક્ટને જે વેપારીઓએ કરોડોનો માલ સમાન આપ્યો છે, તે વેપારીઓને હવે રોવાનો વારો આવ્યો છે. મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વેપારીઓને કંપનીએ છેલ્લા દોઢ વર્ષથી એક પણ પેમેન્ટની ચૂકવણી કરી નથી. જેના કારણે વેપારીઓ પરેશાન છે. કંપનીને વેપારીઓએ કરોડો રૂપિયાનો માલ ઉધાર આપ્યો હતો. જેના કારણે અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ. પરંતુ વેપારીઓને પેમેન્ટ માટે કંપની સામે કરગરવાનો વારો આવ્યો છે.

  એક રીપોર્ટ અનુસાર અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ પર કામ કરતી IL&FS કંપનીએ વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ બાકીમાં લીધો હતો. પરંતુ આ કંપનીએ ઉઠામણું કરી લેતા વેપારીઓના કરોડો રૂપિયાનું પેમેન્ટ સલવાયું છે. વેપારીઓ દ્વારા આ મામલે મેટ્રોના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે અને જે કંપની ઉઠી ગઈ છે, તેના અધિકારી સાથે પણ વાતચીત કરવામાં આવી છે. પરંતુ એક પણ અધિકારી આ વેપારીઓને જવાબ આપવા માટે તૈયાર નથી. જેના કારણે હવે વેપારીઓ ઈચ્છામૃત્યુની માંગ કરવાના છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 40 વેપારીઓને આ કંપની પાસેથી 5 લાખથી લઈને બે કરોડ જેટલા રૂપિયાનું લેણું બાકી છે. જેના કારણે હવે વેપારીઓએ મેટ્રો સાથે કંપનીઓને માલ આપવાનું બંધ કરી દીધું છે અને વેપારીઓ એક જ માગ કરી રહ્યા છે કે, તેમની જે બાકી નીકળતી રકમ કંપની દ્વારા વહેલામાં વેહેલી તકે ભરપાઈ કરવામાં આવે અને જો વેપારીઓને પોતાની રકમ નહીં મળે તો તેઓ આગામી દિવસોમાં રાજ્ય સરકાર પાસે ઈચ્છામૃત્યુની માંગ કરશે.

(10:04 am IST)