Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ફાયરસેફ્ટી NOC તપાસમાં ફાયર વિભાગને વર્ષ લાગશે

હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ચકાસણીની પ્રક્રિયા :ફાયરબ્રિગેડ તંત્રમાં સ્ટાફ અછત, વિભાગની અવગણના સહિતના પરિબળોના પરિણામે કામગીરીને અસર પહોંચી

અમદાવાદ,તા.૧૩ : સેટેલાઇટ વિસ્તારના આનંદનગર ચાર રસ્તા પાસેના દેવ ઓરમ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગની દુર્ઘટના બાદ તેના ત્રણ ટાવરોને સીલ મારી દેવાયા હતા. બીજી તરફ આ ઘટના બાદ સફાળા જાગેલા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તમામ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઇ રહી છે. જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી બંધ કે ખામીવાળી હોય તેવા બિલ્ડિંગને ફાયર બ્રિગેડ નોટિસ ફટકારી રહ્યું છે, જોકે ફાયર બ્રિગેડની કામગીરી ખરેખર પ્રશંંસનીય હોવા છતાં આ વિભાગ પાસે શહેરની કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી ચકાસવા પૂરતો સ્ટાફ જ ન હોઇ આ માટે ઓછામાં ઓછું એક વર્ષ લાગી જાય તેમ જણાઇ રહ્યું છે. દેવ ઓરમની દુર્ઘટનાના પગલે શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. કમિશનર વિજય નેહરાએ ફાયર બ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂરને બીપીએમસી એકટની કલમ-પ૬ હેઠળ શો-કોઝ નોટિસ ફટકારી છે. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં એટલે કે બુધવારે ૬ બિલ્ડિંગ, ગુરુુવારે પાંચ બિલ્ડિંગ અને ગઇ કાલે એટલે કે શુક્રવારે ત્રણ બિલ્ડિંગ મળીને અત્યાર સુધીમાં કુલ ૧૪ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. જોકે શહેરમાં એક અંદાજ મુજબ કુલ ર૮૦૦ હાઇરાઈઝ બિલ્ડિંગ હોઇ તે પૈકી ૧ર૦૦થી વધુ કોમર્શિયલ અને મિક્સ પ્રકારની હાઇરાઇઝ બિલ્ડિંગ હોઇ આ ગતિએ જો ફાયર બ્રિગેડની ચકાસણી ચાલતી રહી તો તેનો એક વર્ષે પણ પાર નહીં આવે. બીજી તરફ જે તે બિલ્ડિંગની એક વર્ષની મુદત માટે અપાયેલી એનઓસીને રિન્યૂ કરવાની કામગીરી પણ સતત કરવી પડશે. આમ, ફાયર સેફ્ટીની ચકાસણીની કામગીરી તંત્રને આકરી પડવાની છે. શહેરના ૬પ લાખ લોકોના જાનમાલની સલામતી સાથે સંકળાયેલા ફાયર બ્રિગેેડ માટે નાગરિકોના હૃદયમાં ભરપૂર માન છે. ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ ગમે તેવા કપરા સંજોગોમાં જીવને જોખમમાં મૂકીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે. તેમ છતાં અગમ્ય કારણસર ફાયર બ્રિગેડ વિભાગમાં પૂરતા સ્ટાફની નિમણૂક કરાતી નથી. ફાયરમેનની મોટા ભાગની જગ્યા વર્ષો સુધી ખાલી રહ્યા બાદ તે બાબતે ભારે ઊહાપોહ થતાં આ જગ્યાઓ ભરાઇ હોવા છતાં હજુ ૪૦૮ પૈકી ૩૭ જગ્યા ખાલી છે. અગાઉ નવ ફાયર સ્ટેશન હોવા છતાં તે પૈકી એક પણ સ્ટેશન ઓફિસરની જગ્યા ભરાઇ ન હતી. હવે ૧૮ ફાયર સ્ટેશન થયાં છે, પરંતુ આજની સ્થિતિએ સ્ટેશન ઓફિસરની તમામ જગ્યા ખાલી છે. પ૪ જમાદાર પૈકી માત્ર એક જમાદાર ફરજ બજાવે છે. ફાયર બ્રિગેડનાં વાહન ચલાવવા માટે પૂરતી સંખ્યામાં ડ્રાઇવર નથી. ૧પ૯ ડ્રાઇવરની જગ્યા પૈકી ૮૦ જગ્યા ખાલી પડી છે. ર૦ સબ ઓફિસરની જગ્યા પર એક પણ વ્યકિત ફરજ બજાવતી નથી. ચાર ડિવિઝનલ ફાયર ઓફિસરની ખાલી જગ્યા ભરવાની પણ તસ્દી લેવાઇ નથી, જ્યારે ચાર પૈકી એક ડેપ્યુટી ચીફ ઓફિસરની જગ્યાએ હજુ સુધી કોઇની નિમણૂક કરાઇ નથી. આમ, ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા સતત અવગણના કરાતી હોઇ ફાયરવિભાગના કર્મચારીઓમાં પણ આંતરિક રોષ-નારાજગીની લાગણી પ્રવર્તી રહી છે. 

નોટિસ ફટકારવાનો દોર યથાવત જારી...

અમદાવાદ,તા.૧૩ :     ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આજે સવારે પ્રહલાદનગર વિસ્તારની હોટેલ હોલિડે-ઇન એક્સપ્રેસમાં ફાયર સિસ્ટમ ખામી ભરેલી હોવાના કારણે નોટિસ ફટકારાઇ હતી, જ્યારે એસજી હાઈવે પરની કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ શપથ-પને ઇલેક્ટ્રિક કેબલ ડકને મેટલના દરવાજા કરવા અંગે તંત્રે નોટિસ આપી છે. દેવ ઓરમની દુર્ઘટના બાદ હવે ફાયરબ્રિગેડ સત્તાધીશો કોઇ ચાન્સ લેવા માંગતા નથી.

(9:35 pm IST)