Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

કેસમાં તપાસની સાથે સાથે

શિક્ષક ધવલે અનેક વિદ્યાર્થિનીઓને ફસાવી છે

અમદાવાદ, તા.૧૩ : ગુજરાત હાઈકોર્ટે લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીના ચકચારભર્યા કેસમાં ગુજરાત પોલીસ પાસેથી તપાસ આંચકી લઇ સમગ્ર કેસની તપાસ હવે સીબીઆઇને સોંપવાનો મહત્વનો આદેશ કર્યો છે.  હાઇકોર્ટે દુષ્કર્મના દોષિત ત્રિવેદીને કોઈપણ ભોગે ઝડપી લેવા આદેશ કર્યો છે. કેસની સાથે સાથે નીચે મુજબ છે.

જેલમાં હાજર થવાના આગલા દિવસે જ સગીરાને લઇ નાસી છૂટયો

   આજીવન કારાવાસની સજાના હુકમના ચાર મહિના પછી ધવલે પેરોલ પર છૂટવા અરજી કરી હતી. જેલમાં સારી ચાલ-ચલગતના કારણે તેના પેરોલ મંજૂર કરવામાં આવ્યા. ત્યારે પોલીસને ખબર ન હતી કે ધવલ ૯મો શિકાર કરવા બહાર નીકળ્યો હતો. જેલમાંથી બહાર નીકળીને ધવલ ચોટીલા ગયો હતો. ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ આપીને બે દિવસમાં જ એક ક્લાસિસ સંચાલકને વાકચાતુર્યથી વિશ્વાસમાં લઈ લીધો. વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી જાય એ માટે પોતે કમ્પિટિટિવ પરીક્ષાના ક્લાસિસ શરૂ કરવા માગતો હોવાની ઈચ્છા વ્યક્ત કરીને ક્લાસિસ સંચાલકને મનાવી લીધા. ચાર દિવસમાં ૮-૧૦ વિદ્યાર્થિનીએ ક્લાસ જોઈન્ટ કરી લીધા. આ એક જ સપ્તાહમાં ૫૬ વર્ષના ધવલે ૧૮ વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લીધી. તા.૧૨ ઓગસ્ટે જેલમાં પરત હાજર થવાના આગલા જ દિવસે ધવલ એ યુવતીને લઈને રફુચક્કર થઈ ગયો. યુવતીના પિતાએ ચોટીલા પોલીસમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી ત્યાં સુધી પોલીસને ખબર ન હતી કે યુવતીને ધવલ ત્રિવેદી ભગાડીને લઈ ગયો છે. પોલીસે સીસીટીવી ચેક કરતા ધવલની વધુ એક કરતૂત સામે આવી. યુવતીને લઈને ભાગેલો ધવલ અમદાવાદ પહોંચ્યો હતો અને જેલમાં સંપર્કમાં આવેલા ભાવનગરના શંકર નામના પરિચિત મારફતે અમદાવાદ આંગડિયામાં ૧૦ હજાર રૂપિયા મંગાવ્યા હતા. પોલીસે આંગડિયાના ફૂટેજ મેળવી ધવલની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રાજ્ય બહાર ભાગી ગયેલા ધવલ અને અપહ્યત યુવતીનો કોઈ પત્તો મળ્યો ન હતો.

લંપટ શિક્ષક ધવલ ૯ જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવી ચૂક્યો છે

   મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ અત્યાર સુધીમાં સુરત, આણંદ અને રાજકોટમાં ૯ જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવીને જિંદગી બરબાદ કરી નાખ્યાની વિગત તપાસ દરમિયાન બહાર આવી હતી. ધવલે ઉચ્ચ અભ્યાસ પછી ૨૦૦૩માં મુંબઈની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નજીવનના માત્ર ૬ મહિના પછી પત્નીનું અવસાન થયું હતું. મુંબઈથી વડોદરા આવેલા ધવલે એમ.એસ. યુનિવર્સિટીની એક પંજાબી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. પોતે પણ પંજાબી હોવાનું કહી યુવતી સાથે લગ્ન કર્યા હતા.જે હાલ રાજકોટમાં એક ખાનગી શાળામાં એક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યારપછી તેણે અન્ય એક યુવતીને ફસાવીને આણંદમાં આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા. જો કે આ કેસમાં યુવતીના પિતાએ કાનૂની કાર્યવાહી કરીને પુત્રીના છુટાછેડા લેવડાવી લીધી હતા. ૨૦૧૦માં ધવલ સુરત પહોંચ્યો. સુરતમાં પણ બે સ્વરૂપવાન યુવતીને ફસાવવામાં સફળ થયો હતો.

(9:33 pm IST)