Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીના કેસની તપાસ CBIને સોંપાઈ

ધવલ જેલમાંથી છૂટી સગીરાને લઈ નાસી છૂટયો : હાઈકોર્ટે તપાસ કરી ચાર સપ્તાહમાં સમગ્ર અહેવાલ રજૂ કરવા સીબીઆઇને હુકમ કર્યો : કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ

અમદાવાદ, તા.૧૩ : ગુજરાત હાઈકોર્ટે લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીના ચકચારભર્યા કેસમાં ગુજરાત પોલીસ પાસેથી તપાસ આંચકી લઇ સમગ્ર કેસની તપાસ હવે સીબીઆઇને સોંપવાનો મહત્વનો આદેશ કર્યો છે.  એટલું જ નહી, હાઇકોર્ટે દુષ્કર્મના દોષિત ત્રિવેદીને કોઈપણ ભોગે ઝડપી લેવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે આ કેસની તપાસનો સમગ્ર અહેવાલ ચાર સપ્તાહમાં કોર્ટ સમક્ષ રજૂ કરવા પણ સીબીઆઇને હુકમ કર્યો હતો. ધવલ ત્રિવેદીને ગત વર્ષે પડધરીમાંથી ધોરણ-૧૧માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ઓગસ્ટ-૨૦૧૮માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલ બહાર આવ્યો અને ચોટીલાની સગીરાને લઈ નાસી છૂટ્યો હતો. હાઈકોર્ટે આરોપી ધવલ ત્રિવેદીને મેનિયાક ગણાવી સીબીઆઈને આદેશ કર્યો કે, ધવલ ત્રિવેદીને તાત્કાલિક ઝડપી લઈ સગીરાને કોઈપણ ભોગે બચાવો. આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરતા હુકમમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવે જણાવ્યું કે, સીબીઆઈ માટે આ એક ખૂબ પડકારજનક કામ છે પરંતુ સીબીઆઈ આ પ્રકારના પડકારો ઝીલવા માટે જાણીતી છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે સગીરાના પિતાની હેબિય કોર્પસ અરજીને આધારે આ કેસ ગુજરાત પોલીસ પાસેથી લઈને સીબીઆઈને ટ્રાન્સફર કર્યો છે. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, આ કેસમાં પ્લાનિંગ કરીને વ્યૂહાત્મક રીતે વધુ પડતી આક્રમકતા લાવવાની જરૂર છે. આ કેસ પ્રથમ દ્રષ્ટીએ માનવ તસ્કરીનો લાગે છે. સીબીઆઈએ ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. અરજદારની પુત્રી હાલ કઈ હાલતમાં છે. તેમજ તે જીવીત છે કે, તેની હત્યા કરાઈ છે તે અંગે પણ કોઈ જાણ નથી. કદાચ તેણીને પ્રોસ્ટિટ્યૂશનમાં પણ ધકેલવામાં આવી હોઇ શકે.

 

(9:33 pm IST)