Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બૈશાખી પર્વ સૌને નવી ઉર્જા અને એક નવચેતના આપે છે

બૈશાખી પર્વમાં મુખ્યમંત્રી સહભાગી થયા: ગુરૂગ્રંથ સાહેબની ગાદીએ મસ્તક નમાવી ખાસ આશીર્વાદ મેળવ્યા : ગુરુદ્ધારા માટે કુલ ૫ કરોડની ફાળવણી કરાઈ

અમદાવાદ,તા.૧૪: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, બૈશાખીનું પર્વ એ સમરસતા-સૌહાર્દનું પર્વ છે. ગુરુ ગોવિંદસિંહે ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે ત્યાગ-અને બલિદાનના આદર્શો ને પ્રબોધ્યા છે ત્યારે ત્યાગ-બલિદાન-સમર્પણની ભાવનાથી રાષ્ટ્રરક્ષા માટે સૌ સમાજ સક્રિય બને તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આજે અમદાવાદના મણીનગર સ્થિત ગુરુદ્ધારા-ગુરુનાનક દરબારમાં આયોજિત બૈશાખી પર્વમાં સહભાગી થઈ ગુરુ ગ્રંથ સાહેબની ગાદીએ મસ્તક ટેકવી આશિર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહ અને ગુજરાતનો નાતો અતૂટ રહ્યો છે. ગુરુ ગોવિંદસિંહે ભારતના અલગ અલગ ખૂણેથી પાંચ પ્યારાની પસંદગી કરી હતી. તેમાં ગુજરાતના જામનગર, દ્ધારાકાના મોખમસીંગ પણ હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સમાજ જીવનમાં ઓતપ્રોત થઈ ગયેલા શીખ પરિવારો માટે શ્રદ્ધાના ત્રણ સ્થાનકો ભરૂચ, બેટ-દ્ધારકા અને લખપતમાં છે. રાજ્ય સરકારે લખપત અને બેટ-દ્ધારકાના માળખાકીય વિકાસના કામો હાથ પર લીધા છે અને પાંચ-પાંચ કરોડ ફાળવ્યા છે. સાથે સાથે લખપત ગુરૂદ્ધારામાં પ્રવાસન વિભાગ દ્વારા આંતરમાળખાકીય સુવિધાની કામગીરી પણ હાથ પર લીધી છે એમ તેમણે ઉમેર્યું હતું. આ બંને સ્થળે હાઈપાવર-લૉ પાવર ટ્રાન્સમીશન સપ્લાય લાઈન, પાણી પુરવઠો, સુએઝ લાઈનની કામગીરી ઉપરાંત બ્યુટીફિકેશન, સોલાર પેનલ, સીસીટીવી પણ પુરા પડાશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવીને વસેલા સૌએ ગુજરાતી સંસ્કૃતિ-ભાષાને આત્મસાત કરી છે. આ ગુજરાતના સમાજ જીવનની આગવી તાસીર છે. રાજ્ય સરકારે સૌના સમાન વિકાસની નીતિ અપનાવી સમરસ સમાજ રચનાનો નૂતન માર્ગ કંડાર્યો છે. મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે શીખ સમુદાયે સંઘર્ષ અને ત્યાગની પરાકાષ્ઠા સર્જી છે. રાજ્યના વિકાસ માટે શૌર્ય, વીરતા, ધૈર્ય, સાહસ પરાક્રમ, ત્યાગ, તપસ્યા જેવા સદગુણો સૌને પ્રેરણા આપતા રહેશે એમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત માઈનોરિટીઝ ફાઈનાન્સ એન્ડ ડેવલપ કોર્પોરેશન ડાયરેક્ટર પરમજીત કૌર છાબડાએ જણાવ્યું હતું કે, ત્યાગ-બલિદાનના પ્રતિક સમો શીખ સમુદાય આજે ગુજરાતના સમાજ જીવનમાં સમરસ બન્યો છે ત્યારે ગુજરાત સરકારની લખપત અને બેટ-દ્ધારકાના ગુરુદ્ધારાના વિકાસ માટેની પહેલને તેમણે આવકારી હતી.

(9:49 pm IST)