Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સુરતના પૂણાગામ વિસ્‍તારમાં ડ્રેનેજ લાઇન બદલતી વખતે પીવાના પાણીની લાઇન સાથે ભળી જતા ૨૦૦થી વધુ લોકોને ઝાડા ઉલટી

સુરતઃ પુણા સીતાનગર મેઈન રોડ પર ડ્રેનેજ લાઈન બદલતી વખતે ડ્રેનેજ લાઈન અને પીવાના પાણીની લાઈન મિક્સ થઈ ગઈ હતી અને આ ગંદુ પાણી પીવાના કારણે સીતાનગરની લક્ષ્‍મીપાર્ક સોસાયટી અને નેતલદે સોસાયટી સહિતની આજુબાજુમાં આવેલી સોસાયટીના સંખ્યાબંધ લોકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. આ અંગે કોર્પોરેટર વિજય પાનસુરિયા દ્વારા પાલિકા કમિશનરને જાણ કરવામાં આવતા પાલિકાનું તંત્ર દોડતું થયું હતું અને આરોગ્ય વિભાગની બે ત્રણ ટીમ મેડિકલ વાન સાથે ઘટના સ્થળે મોકલી અસરગ્રસ્તોને સારવાર આપી હતી. આ ઉપરાંત સીતાનગરની આજુબાજુની સોસાયટીમાં પાણીની સપ્લાય બંધ કરી ટેન્કર મારફતે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે તેમજ ડ્રેનેજ લાઈનું યુધ્ધના ધોરણે કામ શરૂ કરાવ્યું છે.

પાલિકા તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે. વોર્ડ નં-૧૬ના કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસુરિયાએ જણાવ્યું હતું કે ડ્રેનેજની લાઈન બદલવાનું કામ ચાલે છે ત્યાં લીકેજ છે અને જેનો વીડિયો પણ પાલિકાના અધિકારીને મોકલ્યો હતો. આ ઉપરાંત લક્ષ્‍મીપાર્ક સોસાયટીના રહેવાસીઓએ લેખિતમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ પાલિકાએ રજૂઆતને ધ્યાને લીધી ન હતી. જેના પરિણામે આજે સંખ્યાબંધ લોકો ઝાડા ઉલટીમાં સપડાયા છે.

(8:19 pm IST)