Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

વસીમે ૨૦૦થી વધુ વ્યકિતના બનાવટી આધારકાર્ડ બનાવ્યા

બોગસ આધારકાર્ડ કૌભાંડમાં વિગત સપાટીએ : આધારકાર્ડ સેન્ટરમાં ફરજ બજાવતો જિજ્ઞેશ તેના સરકારી આઇડી અને પાસવર્ડનો દૂરપયોગ કરતો હતો : અહેવાલ

અમદાવાદ,તા. ૧૪ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં કરિયાણાની એક દુકાનમાંથી પોલીસે બોગસ આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ સહિતના બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપ્યા બાદ હાથ ધરેલી તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, આ કેસમાં મુખ્ય સૂત્રધાર આરોપી વસીમ ઇબ્રાહીમભાઇ મનસૂરીએ અત્યારસુધીમાં ૨૦૦થી વધુ વ્યકિતઓના બોગસ આધારકાર્ડ બનાવ્યા હતા. આરોપીઓ કોઇપણ વ્યકિતના સ્કેન થયેલા ઓરીજનલ ડોકયુમેન્ટ બાદ બીજી વ્યકિતના કે જેની પાસે કોઇ ડોકયુમેન્ટ નથી તેના નામે આધારકાર્ડ ઇશ્યુ કરી દેતા હતા. આ સમગ્ર કૌભાંડમાં ખુદ મામલતદાર કચેરીના આધારકાર્ડ સેન્ટરમાં કામ કરતાં આરોપી જિજ્ઞેશ માંગરોળિયા તેના સરકારી આઇડી અને પાસવર્ડનો દૂરપયોગ કરતો હોવાની પણ ચોંકાવનારી હકીકત સામે આવી છે. આરોપીઓ માત્ર રૂ.૫૦૦થી લઇ હજાર-બે હજારમાં તમે માંગો એવા બોગસ આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ સહિતના બોગસ દસ્તાવેજો બનાવી આપતાં હતા.     ગઇકાલે ગોમતીપુર પોલીસે રખિયાલ ચાર રસ્તાથી પટેલ મીલ તરફ જવાના રોડ પર આવેલા વિજય પેટ્રોલ પંપની બાજુમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં બોગસ આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ સહિતના દસ્તાવેજો કોઇપણ અધિકૃત દસ્તાવેજો વિના બારોબાર બનાવી આપવામાં આવે છે તેવી મળેલી બાતમીના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે બે માણસોને તૈયાર કરી મોકલ્યા હતા અને તેમને રૂ.૧૦૦ અને રૂ.૫૦૦ના દરની સિરિયલ નંબરવાળી નોટો પણ આપી હતી. બાદમાં પોલીસના ઇશારે ગયેલા બંને માણસોએ દુકાનમાં જઇ કોઇપણ પુરાવા નહી હોઇ બોગસ આધારકાર્ડ બનાવી આપવાનું જણાવ્યું હતું, જેથી આરોપીઓ તે માટે પૈસા માંગતા પોલીસે આપેલી નોટો બંને માણસોએ તેઓને આપી દીધી હતી અને બહાર સાદા ડ્રેસમાં ગુપ્ત વોચમાં ઉભેલા પોલીસના જવાનોને ઇશારો કરી દીધો હતો. એ સાથે જ પોલીસના સ્ટાફે દુકાનમાં સીધો દરોડો પાડી દીધો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે લેપટોપ, ફિંગરપ્રિન્ટ સ્કેનર, બે થમ પ્લેટ, વેબ કેમેરા, આઇરિશ સ્કેનર, લેમીનેશન મશીન, વાઇફાઇ રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આધારકાર્ડનું કામ કરી રહેલા વસીમ ઇબ્રાહીમભાઇ મનસૂરી(રહે.પીળી ચાલી, ગોમતીપુર), જિજ્ઞેશ દિલીપ માંગરોળિયા(રહે.રામકૃષ્ણ સોસાયટી, નિકોલ ગામ) અને કરિયાણાની દુકાન ચલાવતા ઇબ્રાહીમભાઇ મનસૂરીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી જિજ્ઞેશ માંગરોળિયા મામલતદાર કચેરીના આધાર સેન્ટરમાં કામ કરે છે. સરકારે તેને કોન્ટ્રાકટ પર રાખ્યો છે. થોડા સમય પહેલા તે આરોપી વસીમના સંપર્કમાં આવ્યો હતો. વસીમ પણ પહેલા સરકારનો આધારકાર્ડનો કોન્ટ્રાકટ ધરાવતો હતો પરતુ બાદમાં તે બંધ થઇ જતાં તેણે જિજ્ઞેશ માંગરોળિયાને પૈસાની લાલચ આપી આધારકાર્ડ, ઇલેકશન કાર્ડનું કામ કરવા માટે ફસાવ્યો હતો. જિજ્ઞેશ પાસે મામલતદાર કચેરીના આધારકાર્ડ સેન્ટરમાં કામ કરતો હોવાથી તેના લોગઇન, પાસવર્ડ હોવાથી આરોપીઓનું ગાડુ ગબડી ગયુ હતું. જોકે કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

(7:56 pm IST)