Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

વેપારી અપહરણ કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ થઈ

સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ પહેલાથી જ ઝડપાઈ ચુક્યો છે : પકડાયેલા ત્રણ આરોપી પૈકી બે વિદ્યાર્થીઓ છે : સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની સાથે મળીને કાવતરાને અંજામ આપ્યો હતો

અમદાવાદ,તા. ૧૪ :  પંજાબના બે વેપારીઓને હવાલામાં કમીશન આપવાના બહાને અમદાવાદ ખાતે બોલાવી અપહરણ કરી અમદાવાદની એક હોટલમાં ગેરકાયદે રીતે ગોંધી રાખી તેમની પાસેથી રૂ.૧૦ લાખની ખંડણી માંગવાના ચકચારભર્યા કેસમાં પોલીસે આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓએ પૈકી બે તો વિદ્યાર્થી છે. આ તમામ આરોપીઓએ મુખ્ય સૂત્રધાર આરોપી એવા સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલ સાથે મળીને કાવતરાને અંજામ આપ્યો હતો. પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ ચાલુ રાખી છે.     આ અંગેની વિગત એવી છે કે, મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે રહેતા ગુંજનભાઇ વૈદ્યના ચંદીગઢ ખાતે રહેતા મિત્ર શિવમ્ કૌશલનો ગુરૂવારે ગુંજનભાઇ પર ફોન આવ્યો હતો કે, મારા કાકાને અમદાવાદ પોલીસે પકડયા છે અને આશ્રમરોડ પરની કદમ હોટલમાં ગોંધી રાખ્યા છે. પોલીસ દ્વારા રૂ. બે લાખની માંગણી કરાઇ છે અને તેમનો સંપર્ક કરી મદદની માંગ કરી હતી. શિવમના અમદાવાદમાં રહેતા પૂજન નામના મિત્રએ પંજાબના બળદેવસિંહ સાથે તા.૧૦મી એપ્રિલે વાત કરી જણાવ્યું હતું કે, તેના રૂપિયા દુબઇમાં પડયા છે અને આ રૂપિયા ભારતમાં લાવવા માટે જીએસટી વધુ લાગે તેમ છે , તેથી જો તમારા કોઇ ઓળખીતા દુબઇમાં હોય તો પૈસાનું સેટીંગ થઇ જાય તેમ છે અને આ માટે હું તમને પાંચ ટકા કમીશન આપીશ. જેથી બળદેવસિંહે પૂજનને તેમના ઓળખીતા દુબઇમાં હોવાનું જણાવ્યું હતું. હવાલા કમીશનની લાલચમાં બુધવારે બળદેવસિંહ અને તેમના મિત્ર સુરેન્દ્રસિંહ રાત્રે ૮-૪૫એ ફલાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. જયાં પૂજને બે યુવકોને તેમને રિસીવ કરવા મોકલ્યા હતા. આ બંને યુવક બળદેવસિંહ અને સુરેન્દ્રસિંહને ગાડીમાં લઇ જતા હતા તે દરમ્યાન રિવરફ્રન્ટથી ખેતલાઆપા ચાની કિટલી પાસે બે વ્યકિતઓએ ગાડી રોકાવી હતી અને ગજેન્દ્રસિંહ નામના શખ્સે કાર્તિક કોણ છે તેમ કહી તેઓને નીચે ઉતાર્યા હતા. રિસીવ કરવા આવેલા શખ્સે પોતે કાર્તિક હોવાનું જણાવ્યું હતું, તેથી ગજેન્દ્રસિંહે તારૃં નામ પૂજન છે અને અગાઉ તું હવાલાકાંડમાં ઝડપાઇ ગયો છે તેમ કહી ગાડીમાંથી બે વ્યકિતોને ઉતારી રવાના કરી દીધા હતા, જયારે પંજાબથી આવેલા બંને વેપારીઓને અપહરણ કરી શહેરના આશ્રમરોડ પરની હોટલ ક્રિસ્ટલમાં ગોંધી રખાયા હતા, જતાં તેમની મુકિત માટે તેમની પાસેથી રૂ. દસ લાખની ખંડણી માંગવામાં આવી હતી. ચંદીગઢના શિવમ્ે તેના કાકા બળદેવસિંહનો મોબાઇલ નંબર વિસનગરના ગુંજનભાઇને આપ્યો હતો. ગુંજનભાઇએ તેમના મિત્ર દેવેન્દ્રસિંહ અને લાલાભાઇને આ ઘટના અંગે જાણ કરી હતી, તેથી લાલાભાઇએ બળદેવસિંહને ફોન કરી વાતચીત કરી હતી, તેથી સમગ્ર મામલો જાણમાં આવ્યો હતો.

બાદમાં દેવેન્દ્રસિંહે એસીબીમાં નોકરી કરતાં તેમના સગા ભાવનાબહેનને વાત કરતાં આ પ્રકરણમાં ગાંધીનગર એસીબીના અધિકારીઓએ નવરંગપુરા પોલીસની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડી પંજાબના અપહ્યુત વેપારીઓને છોડાવ્યા હતા અને આરોપી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલની ધરપકડ કરી હતી. પોલીસે આજે આ પ્રકરણમાં પૂજન અને કાર્તિક સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

(7:16 pm IST)