Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

તારાપુર તાલુકાના ઇન્દ્રણજ ગામની સીમમાં વીજ લાઈન નાખવા બાબતે અડચણ ઉભી કરનાર બે ભાઈઓ વિરુધ્દ ફરિયાદ

તારાપુર: તાલુકાના ઈન્દ્રણજ ગામની સીમમાં ખાનપુર તરફના રસ્તા ઉપર વીજ લાઈન નાંખવા બાબતે બે ભાઈઓએ જીઈબીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે તકરાર કરીને અડચણ ઉભી કર્યા બાદ રાત્રીના સુમારે તારાપુર-સોજીત્રા રોડ બાઈક પર ઘર તરફ જતા જીઈબીના ત્રણ અધિકારીઓને રોકીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તારાપુર પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૧મી તારીખના રોજ સવારના સુમારે ઈન્દ્રણજ ગામની સીમમાં વીજ લાઈનની નાંખવાની કામગીરી ચાલતી હતી ત્યારે સંદિપ જીવાબભાઈ રાણા અને સંજયસિંહ જીવાબભાઈ રાણા આવી ચઢ્યા હતા અને કોને પુછીને લાઈન નાંખો છો તેમ જણાવીને ગંદી ગાળો બોલીને સરકારી કામમાં અડચણ ઉભી કરી વીજ લાઈન નાંખવાનું કામ બંધ કરાવી દીધું હતુ. ત્યારબાદ રાત્રીના સુમારે જુનીયર એન્જીનીયર એ. પી. પટેલ સહિત ત્રણ અધિકારીઓ બાઈક પર સવાર થઈને ઘર તરફ જતા હતા ત્યારે તારાપુર-સોજીત્રા રોડ ઉપર મોટી ટાવરવાળી વીજ લાઈન પાસે તૂટેલી નંબર પ્લેટવાળી કારમાં સવાર થઈને આવી ચઢેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ગમે તેવી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે નાયબ ઈજનેર નરેશભાઈ ડી. તળપદાએ બે અલગ-અલગ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(4:45 pm IST)