Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કરમસદમાં મધરાત્રે પોલીસે છાપો મારી એક શખ્સને 111 દારૂની બોટલો સાથે ઝડપ્યા

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આણંદ તાલુકાના કરમસદ ગામે મધ્યરાત્રીના સુમારે છાપો મારીને એક શખ્સને વિદેશી દારૂની નાની-મોટી ૧૧૧ બોટલો સાથે ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે કોમ્બીંગ નાઈટમાં નીકળેલી એલસીબી પોલીસને હકીકત મળી હતી કે, કરમસદના પંચવટી નવાઘરાં વાઘરીવાસમાં રહેતો સંજય ઉર્ફે ગટીઓ શાભઈભાઈ તળપદા વિદેશી દારૂનો ધંધો કરે છે. જેથી પોલીસ પંચવટી તરફ જતાં કુકવાડ રોડ ઉપર એક્ટીવા લઈને ઉભેલો શખ્સ એક્ટીવા લઈને ભાગવા ગયો હતો જેથી પોલીસે તેનો પીછો પકડીને ઝડપી પાડીને નામઠામ પૂછતાં તે સંજય ઉર્ફે ગટીઓ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક્ટીવાની તલાશી લેતાં ડીકીમાંથી વિદેશી દારૂની ચાર બોટલો તથા આગળ ભરાવેલા થેલામાંથી નાની ૨૧ બોટલો મળી આવી હતી. જેથી તેની પૂછપરછ કરતાં બીજો વિદેશી દારૂનો જથ્થો તેણે બાજરીવાળા ખેતરમાં સંતાડી રાખ્યો હોવાનું જણાવ્યું હતુ.

પોલીસે ત્યાં પહોંચી જઈને તપાસ કરતાં ખેતરના શેઢાના ઢાળીયામાં સળીયા તથા પાવડાથી ખાડો કરીને સંતાડી રાખેલી બીજી નાની ૮૬ બોટલો મળી આવી હતી જેની કિંમત ૩૩૧૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. એલસીબી પોલીસે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ઘરી છે.

(4:45 pm IST)