Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સાબરમતીમાં બનનારા બુલેટ ટ્રેનના સ્ટેશનની ડિઝાઇન ફાઇનલ

દાંડીમાર્ચની થીમ પર તૈયાર કરાશે ;ઉપર તરફ ચરખાની ડિઝાઇન

અમદાવાદ: સાબરમતીમાં બનનારા બુલેટ ટ્રેનના સ્ટેશનની ડિઝાઈન ફાઈનલ થઇ છે સ્ટેશનને દાંડી માર્ચની થીમ પર ડિઝાઈન કરાશે તેની ઉપરની તરફ ચરખાની ડિઝાઈન કરવામાં આવી છે.

 

   અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેન 2022 સુધીમાં દોડતી કરવા પૂરજોશથી કામગીરી ચાલી રહી છે.મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના દરરોજ 70 રાઉન્ડ કરવામાં આવશે. આમાંથી 35 સાબરમતીથી મુંબઈ રવાના થશે જ્યારે 35 મુંબઈથી સાબરમતી માટે રવાના થશે.

   નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેના જણાવ્યા અનુસાર, કે સવારે 7થી 10 અને સાંજે 5થી 9 સુધી દર કલાકે બન્ને દિશાઓમાં 3 બુલેટ ટ્રેન સર્વિસ શરુ કરવામાં આવશે. જ્યારે બાકીના સમયમાં દર કલાકે 2 ફેરા કરવામાં આવશે.

   બુલેટ ટ્રેનની એક રેકમાં 10 ડબ્બા હશે. તેમાં 9 ઈકોનોમી ક્લાસ હશે, જ્યારે એક કોચ બિઝનેસ ક્લાસ હશે. એક ટ્રેનમાં કુલ 7 શૌચાલય હશે, તેમાંથી મહિલાઓ અને દિવ્યાંગો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા હશે. ટ્રેનમાં એક સ્પેશિયલ રુમ હશે, જેમાં જો કોઈ પેસેન્જરની તબિયત ખરાબ હોય તો તેમાં આરામ કરી શકે.

   અમદાવાદથી બુલેટ ટ્રેન સાબરમતીથી ઉપડશે, અને મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સુધી જશે. ટ્રેન આણંદ, વડોદરા, ભરુચ, સુરત, વલસાડ, વાપી, બોઈસર, વિરાર, તેમજ થાણે ઉભી રહેશે. બુલેટ ટ્રેનની મેક્સિમમ સ્પીડ 350 કિલોમીટર પ્રતિકલાક હશે, અને તે બે કલાકમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર કવર કરી લેશે. બંને શહેર વચ્ચે 506 કિમીનું અંતર છે, અને યોજના પાછળ 1.10 લાખ કરોડ રુપિયાથી પણ વધુનો ખર્ચ થશે.

(10:14 pm IST)