Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પાવગઢમાં ડુંગર ઉપર માલસામાનની હેરાફેરી કરતા ગધેડાઓના માલિકોની હડતાલઃ જિલ્લા તંત્રઅે પ્રાણીઓ ઉપર લાદવામાં આવતા સામાન બાબતે કડક અમલ કરાવતા રોષ

વડોદરાઃ પાવાગઢના ડુંગર પર માલ-સામાન પહોંચાડતા ગધેડાઓના માલિકો હડતાલ પર ઉતર્યા. જિલ્લા તંત્રએ પ્રાણીઓ પર લાદવામાં આવતા સામાન બાબતે ક્રુઅલ્ટી ટુ ડ્રોટ એન્ડ પેક એનિમલ્સની જોગવાઇનું કડક રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામા આવતાં ગધેડાના માલિકોએ વિરોધ નોંધાવ્યો છે. અહીં પાવાગઢના ડુંગરો પર ટ્રાન્સપોર્ટેશન માટે ગધેડાઓને ઉપયોગમાં લેવાય છે. કાયદાની જોગવાઇઓ મુજબ પ્રાણી પર 50 કિલોથી વધુ વજન ન લાદવો જોઇએ. ત્યારે ગધેડાના માલિકોનું માનવું છે કે જો 50 કિલોથી વધુ વજન ગધેડા પર ન લાદીએ તો અત્યારના ભાવ પ્રમાણે અમારી યોગ્ય કમાણી નહીં થાય.

ગધેડાના માલિક સંજય રાણાએ કહ્યું કે, “અત્યારે ચૂકવવામાં આવતી કિંમત પૂરતી નથી, ત્યારે 50કિલો વજન વાળા નિયમથી અમે પૂરતી કમાણી નહીં કરી શકીએ, અને બીજી બાજુ એ ડર પણ સતાવતો રહે છે કે વધુ વજન લાદશું તો કેસ દાખલ થશે.ત્યારે તંત્રનો વિરોધ કરવા માટે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ગધેડાના માલિકો દ્વારા લેવામાં આવતો ચાર્જ પ્રમાણિત નથી. કેવો સામાન છે તે મુજબ કિંમત વસૂલવામાં આવે છે. સિંગલ ગેસ સિલિન્ડરના 30થી 40 રૂપિયા વસૂલવામા આવે છે.

પર્વત પર રેસ્ટોરાં ચલાવતા અને પાવાગઢના ડેપ્યૂટી સરપંચ અશોક જોશીએ કહ્યું કે, કાયદાના અમલિકરણમાં પ્રેક્ટિકલ મુશ્કેલીઓ હતી. કહ્યું કે, “સિંગલ ગેસ સિલિન્ડરનું વજન 31 કિલો હોય છે તેવામાં જો આ કાયદાનો અમલ કરવામાં આવે તો એક સમયે એક જ સિલિન્ડર ઉઠાવી ટ્રાન્સપોર્ટ કરી શકે છે.

જોશીએ કહ્યું કે જો ગધેડાઓ માલ ટ્રાન્સપોર્ટ ન કરે તો અનેક મુશ્કેલીઓ સર્જાઇ શકે છે, દૂધ, રાંધણ ગેસ, કરિયાણું સહિતની કેટલીય વસ્તુઓની સપ્લાઇ અટકી જાય. ઉપરાંત અત્યારે કાર્યરત પાવાગઢ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેનું મટિરિયલ પણ ગધેડાઓ દ્વારા જ ટ્રાન્સપોર્ટ કરવામા આવતું હતું.

ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યા મુજબ ટ્રેડર્સે સમજવું પડશે કે તેમણે યોગ્ય કિંમત આપવાનું શરૂ કરવું પડશે. બહુ જલદી સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવશે અને રાબેતા મુજબ કાર્ય શરૂ થઇ જશે. આવી નાની નાની સમસ્યાઓને ટૂંક સમયમાં ઉકેલવામા આવશે અને પ્રણીઓ પર પણ ક્રૂરતા વર્તવામા ન આવે તેની ખાતરી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં 250 જેટલી દુકાનો અને 335 જેટલા ગધેડાઓ છે.

(5:54 pm IST)