Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રાજ્ય સરકાર તાંત્રિક વિધિમાં માનતી જ નથી : પ્રદિપ જાડેજા

વિકાસની વિધિમાં જ સરકારને રસ છે : બાળકો સામે બનતા ગુનાઓ માટે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે : ગૃહરાજ્યપ્રધાન દ્વારા અપાયેલી ખાતરી

અમદાવાદ,તા.૧૪ : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બનતી નાની-મોટી ઘટનાઓને રાજ્ય સરકાર ગંભીરતાથી જ લે છે. તેમાંય બાળકો સામે બનતા ગુનાઓ માટે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. તે માટે ડીજીપી સીઆઈડી ક્રાઈમના અધ્યક્ષસ્થાને મીસીંગ ચાઈલ્ડ સેલની રચના દ્વારા ખાસ તપાસ પણ કરવામાં આવે છે. આજે વિધાનસભા ખાતે જસ્ટીસ ડી કે ત્રિવેદી પંચના અહેવાલ બાબતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી જાડેજાએ ઉમેર્યુ હતું કે, અમારી ભાજપા સરકાર વિકાસની વિધિમાં માને છે, તાંત્રિક વિધિમાં ક્યારેય માનતી નથી અને, માનશે પણ નહિં. તેમણે ઉમેર્યું કે, અમદાવાદ ખાતેના આશારામ આશ્રમમાં અભ્યાસ કરતા બે બાળકોના મોત થયા હતા. તે બાળકોના મોતની તપાસ કરવા માટે તેમના પરિવારજનો દ્વારા તપાસ પંચ નિમવા માટે માંગ કરાઈ હતી. તેને ધ્યાને લઈને રાજ્ય સરકારે અત્યંત સંવેદનાથી બનાવની તપાસ માટે કમિશન ઓફ ઈન્કવાયરી એક્ટ હેઠળ જસ્ટીસ ડી કે ત્રિવેદી પંચની રચના કરેલ. જેમાં હાઈકોર્ટના નિવૃત જસ્ટીસના અધ્યક્ષસ્થાને તપાસ કરવામાં આવી છે. તપાસ પંચના અહેવાલો તારણો અમે છુપાવવા માંગતા નથી. ઘટનામાં સંડોવાયેલા સામે કડક પગલાં પણ લીધા છે. આ ઘટના સંદર્ભે જે તે સમયે ૭ આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરીને ધરપકડ પણ કરવામાં આવી છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, ઘટનાની તપાસ માટે રચાયેલા તપાસ પંચના અહેવાલ ૬ માસમાં રિપોર્ટ મૂકવા કોર્ટના ચુકાદા મુજબ ફરજીયાત નથી. છતાંય અમારી ભાજપા સરકારની રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિના કારણે અમે કોઈપણ વ્યક્તિને છોડવા માંગતા નથી અને જરૂરી વિચારણા કરી તપાસ અહેવાલ મૂકવામાં આવશે. પરંતુ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં લઠ્ઠાકાંડ, રથયાત્રા પરના હુમલાઓ, અનામત આંદોલનોની ઘટના અંગે તપાસ પંચ નીમ્યા હતા. તેના રીપોર્ટ આજ સુધી રજુ કરાયા નથી.

(8:10 pm IST)