Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મારામારીની સાથે સાથે.....

ભાજપના સભ્યોએ અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો

ગૃહમાં કલંકિત ઘટના ઘટવા પાછળનું મૂળ કારણ શું હતું?

   ગુજરાત વિધાનસભામાં આજે અમદાવાદના આસારામ આશ્રમના બે બાળકો દિપેશ-અભિષેકના મોત અંગેના રિપોર્ટનો મુદ્દો જોરશોરથી ચગ્યો હતો.  કોંગ્રેસે ડી.કે.ત્રિવેદી પંચનો તપાસ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા ઉગ્ર માંગણી કરી હતી પરંતુ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા તે અંગે કોઇ સ્પષ્ટ ફોડ પાડતા નહી હોવાથી અને તપાસપંચનો અહેવાલ વિધાનસભામાં મૂકવા માટે વિચારણા હેઠળ હોવાનો જવાબ આપતાં કોંગી ધારાસભ્યો ઉશ્કેરાયા હતા અને તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના હોબાળા અને હંગામાનો ભાજપે પણ જોરદાર રીતે પ્રતિકાર કર્યો હતો બસ એ વખતે આખીય વાત વણસી ગઇ હતી.

ભાજપના સભ્યોના લીધે ગૃહનું વાતાવરણ બગડયુ : માડમ

   કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ઘટનાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, તેઓ તા.૧૯મીથી ગૃહ શરૂ થયુ ત્યારથી ગૃહમાં હાથ ઉંચો કરી કરીને અધ્યક્ષની બોલવાની મંજૂરી માંગતા રહ્યા હતા પરંતુ તેમને આજદિન સુધી મંજૂરી અપાઇ ન હતી. મારા વિસ્તારના જામનગરના બે બાળકો અંગે મારે પ્રશ્નો પૂછવાના હતા, કારણ કે, મારે પણ મારા વિસ્તારની પ્રજાને જવાબ આપવાનો હોય છે પરંતુ અધ્યક્ષ દ્વારા પક્ષપાત કરી મને બોલવાની તક અપાતી ન હતી, અમે લોકશાહી પ્રણાલિ મુજબ તેનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભાજપના ધારાસભ્યોએ અમને ઉશ્કેર્યા હતા અને તેના કારણે ગૃહનું વાતાવરણ બગડયું હતું.

ભાજપના ધારાસભ્યોએ અભદ્ર શબ્દપ્રયોગ કર્યો : દુધાત

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત કે જે આજની કલંકિત ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં અને કેન્દ્રસ્થાને રહ્યા તેમણે ભાજપના ધારાસભ્યો પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, ભાજપના ધારાસભ્યોએ આજે વિધાનસભા ગૃહમાં અભદ્ર શબ્દપ્રયોગ કર્યો હતો અને તેના કારણે આખી વાત વણસી હતી. ભાજપના ધારાસભ્યો ખાસ કરીને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ છેલ્લા એક સપ્તાહથી અપશબ્દો અને અભદ્ર શબ્દપ્રયોગ કરવામાં આવતો હતો અને આજે કોંગ્રેસના ધારાસભ્યોની સહનશકિત ખૂટી ગઇ હતી. વિધાનસભા ગૃહની કાર્યવાહી ડહોળવા માટે ભાજપના સભ્યો પણ એટલા જ જવાબદાર છે. ભાજપ તેની સરમુખત્યારશાહી અને હીટલરશાહીથી અમને દબાવવા માંગે છે. ભાજપના ધારાસભ્યો દ્વારા મને મા-બહેન સામી ગાળો આપવામાં આવી છે તો હું અહીં ગૃહમાં પ્રજાના પ્રશ્નો રજૂ કરવા આવ્યો છું, આવી ગાળો સાંભળવા નહી. જે કંઇ ઘટના ઘટી છે તે નિંદનીય છે પરંતુ તેમાં ભાજપના સભ્યોની ઉશ્કેરણી જવાબદાર છે.

જે કંઇ બન્યું તે દુઃખદ અને નિંદનીય : પરેશ ધાનાણી

વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ગૃહની કલંકિત ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ગૃહમાં આજે જે કંઇ બન્યુ તે ચોક્કસપણે દુઃખદ અને નિંદનીય છે પરંતુ તેની પાછળ ભાજપના ધારાસભ્યોનું છેલ્લા એક સપ્તાહથી કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેરવાનું ષડયંત્ર ચાલતુ હતુ અને તેના પરિણામસ્વરૂપ આજે આ ઘટના ઘટી છે. જો કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં હિંસાને કોઇ સ્થાન નથી. અમે કોંગ્રેસના ધારાસભ્યોને પણ આ પ્રકારનું વર્તન કરવા બદલ ઠપકો આપ્યો છે અને આવું વર્તન કોંગ્રેસની વિચારધારાને શોભે નહી એમ કહી સમજાવ્યા છે પરંતુ સામેપક્ષે ભાજપના ધારાસભ્યો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના ધારાસભ્યોને મા-બહેન સામે ગાળો આપી ઉશ્કેર્યા હતા અને આખરે આઘાત-પ્રત્યાઘાતના પરિણામસ્વરૂપ આજની ઘટના ઘટી હતી.

(7:38 pm IST)
  • એક સાથે અધધ ૧૧ લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા છોડવા પાછળનું કારણ શું?... યોગી સરકાર દ્વારા તપાસ વેગવંતી :ઉત્તરપ્રદેશમાં ૫૦ ટકાથી વધારે છાત્રોએ પરિક્ષા આપવાનું માંડી વાળ્યુ એ શાળાઓની યાદી તૈયાર કરી ગાળીયો કસાશે, કેટલી જગ્યાએ બોર્ડની પરિક્ષા માટે ગેરકાયદે રજીસ્ટ્રેશન થયા છે? બાબત ઉપરથી ઉંચકાશે પરદોઃ કોપી મૂલ્યાંકનમાં દાંડાઇ કરનારા શિક્ષકો સામે પણ ભરાશે પગલાઃ ૧૭મીથી શરૂ થઇ રહેલા મૂલ્યાંકન દરમિયાન પરિક્ષાર્થીઓને મોબાઇલ લઇ જવા ઉપર મુકાશે પ્રતિબંધ, કેન્દ્રના મુખ્ય દરવાજા જ બંધ કરી દેવાશેઃમૂલ્યાંકનની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોને નિધારીત સમયે ફરજ ઉપર હાજર થવા ફરમાન access_time 4:55 pm IST

  • પાણી બચાવવાને લઈ સુરતના ડોક્ટરોએ અનોખી પહેલ આદરી છે. જેમાં વોટસએપમાં તબીબો દ્વારા એક ગ્રુપ બનાવીને રોજ તેમાં ક્રિએટીવ મેસેજ, વીડિયો, ઓડિયો મુકીને અન્ય લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ ગૃપમાં લગભગ શહેરના 50થી વધુ ડોક્ટર્સ જોડાઈ છે. ડોક્ટર્સને જ્યાં ક્યાંયથી પણ પાણી બચાવવાનો મેસેજ મળે તે આ ગ્રુપમાં મુકે છે. access_time 12:59 am IST

  • તેજસ્વી યાદવનો ધડાકો : ઉત્તરપ્રદેશ અને બિહારમાં દરોડાનો દોર શરૂ થઈ જશે : ઉત્તરપ્રદેશના બિહારના ચૂંટણી પરિણામો બિહારના પૂર્વ ના. મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ કે આ વિજય પછી સીબીઆઈ અને ઈડીના દરોડા ઉત્તરપ્રદેશ અને બિહારમાં મોટાપાયે શરૂ કરી દેવામાં આવશે access_time 6:14 pm IST