Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેતરમાંથી 3.86 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી ડ્રાઈવરની ધરપકડ કરી

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે સંદેશર ગામની સીમમાં આવેલા એક મકાઈના ખેતરમાં વિદેશી દારૂના થઈ રહેલા કટીંગ ઉપર છાપો મારીને ૩.૮૬ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડીને ડ્રાયવરની ધરપકડ કરી હતી જ્યારે ફરાર થઈ ગયેલા શખ્સ, તેના ભાઈ અને વિદેશી દારૂ મોકલનાર વિરૂધ્ધ વિદ્યાનગર પોલીસ મથકે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલી એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, સંદેશર ગામની સીમમાં પ્રીતમપુરા તરફ જવાના રસ્તા ઉપર આવેલા એક ખેતરમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. જેથી પોલીસ ટીમ ત્રાટકી હતી. પોલીસને જોઈને પીક અપ ડાલુ નંબર જીજે-૦૬,, એએક્સ-૯૨૩૫માંથી વિદેશી દારૂની પેટીઓ ઉતારતો નટુભાઈ કનુભાઈ ઈશનાવા ખેતરાળ રસ્તે થઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે પીક અપ ડાલુના ડ્રાયવરને ઝડપી પાડીને તેનું નામઠામ પુછતાં તે મુળ રાજસ્થાનનો પરંતુ હાલમાં સુરત ખાતે રહેતો બાબુલાલ પતરામજી માળી હોવાનું ખુલવા પામ્યું હતુ.
પોલીસે તપાસ કરતાં મકાઈના ખેતરમાંથી તેમજ પીકઅપ ડાલુમાં કાર્ટુનમાં પેક કરેલી કુલ ૧૨૯ પેટી વિદેશી દારૂ-બીયર કે જેની કિંમત ૩,૮૬,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ થવા જાય છે તે મળી આવ્યો હતો. પકડાયેલા વિદેશી દારૂમાં રોયલ સ્ટેગ તથા અલગ-અલગ બ્રાન્ડના બીયરનો સમાવેશ થાય છે. પોલીસે એક મોબાઈલ ફોન, વિદેશી દારૂ-બીયર, પીકઅપ ડાલુ સહિત કુલ ૯,૮૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા બાબુલાલની પુછપરછ કરતાં આ વિદેશ દારૂનો જથ્થો વાપી ખાતે રહેતા દેવેન્દ્રભાઈએ મોકલાવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે વિદેશી દારૂ મંગાવનાર નટુભાઈ તથા તેના ભાઈ જશવંતભાઈને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:11 pm IST)