Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

તાંત્રિકવિધિથી બે બાળકોના મોત પ્રકરણનો અહેવાલ સરકાર કેમ જાહેર કરતી નથી ? ગૃહમાં હોબાળો

તાંત્રિક વિધિ કરી વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે ? પરેશ ધાનાણીના વિધાનથી દેકારો

 ગાંધીનગર, તા. ૧૪ : જસ્ટીસ ડી.કે. ત્રિવેદી પંચના અહેવાલ બાબતે કોંગ્રેસના જીજ્ઞેશકુમાર મેવાણી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના ઉતરમાં રાજયગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતેના આશારામ આશ્રમમાં અભ્યાસ કરતા બે બાળકોના તાંત્રિક વિધિથી મોત નિપજાવવાની ગુનાઇત ઘટનામાં રાજય સરકારે નિમેલ શ્રી ડી.કે. ત્રિવેદી પંચનો અહેવાલ રાજય સરકારને મળ્યા પછી તા. ૩૧/૧ર/૧૭ની સ્થિતિએ આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. હાલ આ બાબત વિચારણા હેઠળ છે. શકય હશે તેટલો અહેવાલ વહેલામાં વહેલી તકે મૂકવામાં આવશે.

 

આ જવાબથી સંતોષ ન થતાં કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ મોરબી મત વિસ્તારની આવી જ વિગતો આપી જણાવ્યું કે, ગુજરાતમાં આવી તાંત્રિક વિધિથી ગુજરાતમાંથી બાળકો ગૂમ થાય છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે હાલમાં કાયદાકીય રીતે તપાસણા કરવામાં આવી રહી છે. આમાં કોઇને પણ છોડવામાં નહીં આવે.

સરકાર આ અહેવાલ આટલા લાંબા સમય સુધી અહેવાલ કેમ નથી મૂકતા તેવા પૂરક પ્રશ્નમાં શૈલેષ પરમારે જણાવ્યું છે. સરકાર માટે આ શરમજનક બાબત છે તના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આરોપીઓ આજે પણ જેલમાં છે.

આ પ્રશ્ને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ કે ગુજરાતની પ્રજાને આ હકીકત જાણવાનો અધિકાર છે. પ્રજા માટે આ ગૃહ સર્વોપરી છે. આ ગુજરાતનો ખૂબ ગંભીર મુદ્દો છે. સાથે સાથે એવો આક્ષેપ કર્યો કે શું તાંત્રિક વિધિ કરી વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે તેમ બોલતા ગૃહમાં ભારે હો-હા મચી જવા પામેલ.

આ પ્રશ્ને ગૃહમાં ખૂબ જ વિસ્તૃત ચર્ચા ચાલી અને હો-હા દેકારો થયો હતો. પરિણામે અધ્યક્ષે જણાવ્યુ કે આ પ્રશ્ને ૨૦ મિનીટ ચર્ચા પરામર્શ કરવામાં આવેલ છે અને કોઈપણ સભ્યોએ ગૃહની ગરીમા જાળવવાની છે.

 

(4:48 pm IST)