Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ગુજરાત વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસના સભ્યો વચ્ચે મારામારી

ગૃહમાં લોકશાહીના લીરા ઉડયા, ગુજરાતી અસ્મિતાનું ચીરહરણ : ગુજરાત વિધાનસભા ઇતિહાસની સૌથી કલંકિત-શરમજનક ઘટના : કોંગ્રેસના પ્રતાપ દુધાતે ભાજપના જગદીશ પંચાલ પર માઇક વડે હુમલો કરતા ચકચાર

અમદાવાદ,તા. ૧૪ : ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આજે સૌપ્રથમવાર સૌથી કલંકિત અને શરમજનક ઘટના ઘટી હતી. વિધાનસભા ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો રીતસરના બાખડયા હતા અને એક તબક્કે કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ પર બેલ્ટ અને માઇક વડે હુમલો કર્યો હતો. કોંગી ધારાસભ્ય અમરીષ ડેરે પણ સમગ્ર મામલામાં ઉશ્કેરણીમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પ્રજા દ્વારા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વિધાનસભા ગૃહમાં અભદ્ર શબ્દો અને ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા.

વિધાનસભા ગૃહમાં આજે ગુજરાતની અસ્મિતાનું ચીરહરણ કરતાં અને લોકશાહીના લીરેલીરા ઉડાડતાં દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને લઇ ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના મારામારીના દ્રશ્યોને લઇ ગુજરાતની અસ્મિતાને કાળો દાગ લાગી ગયો હતો. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની લોકશાહીના કલંક સમાન સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને મીડિયામાં પ્રસારિત થઇ જતાં દેશભરના લોકોએ તે જોઇ ગ્લાનિ અનુભવી હતી તો, ગુજરાતીઓનું માથું શરમથી ઝુકી ગયુ હતુ. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા ને વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. તો, કોંગી ધારાસભ્ય વિક્રમ માડમને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. બીજીબાજુ, લોકશાહીને કલંકિત કરતી ઘટના બાદ બંને પક્ષના ધારાસભ્યો પોતપોતાનો બચાવ કરતાં જોવા મળ્યા હતા, જો કે, પ્રજાને એક પણ પક્ષનો બચાવ કે તર્ક ગળે ઉતર્યાે ન હતો. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાને બોલવા દેવાની તક આપવામાં આવતી નહી હોવાનો ગંભીર આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. આ હોબાળો ધીરેધીરે કયારે આટલું ગંભીર અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો તેનો કોઇને ખ્યાલ જ ના રહ્યો. થોડીવારમાં તો વાત એટલી હદે વણસી ગઇ કે, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા અને એકબીજાને અભદ્ર શબ્દ-ભાષાનો પ્રયોગ કરતાં રીતસરના બાખડયા હતા. આ હોબાળામાં કોંગી ધારાસભ્યો વિક્રમ માડમ, અમરીષ ડેર અને પ્રતાપ દુધાત એકદમ સક્રિય જણાતા હતા તો, ભાજપમાં જગદીશ પંચાલ, હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યો જોરદાર પ્રતિકાર કરી રહ્યા હતા. એટલામાં તો, એક તબક્કે ભાજપના કોઇ ધારાસભ્ય તરફથી કરાયેલી ગંભીર ટિખ્ખળ અને કોમેન્ટને લઇ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓ માઇક તોડીને સીધા ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ તરફ ધસી ગયા હતા અને તેમને માઇક મારી દીધુ હતું. જો કે, પંચાલ એકદમ ખસી જતાં તેમનો આ હુમલામાં આબાદ બચાવ થયો હતો. જો કે, ત્યારબાદ તો, ગૃહમાં ભયંકર શોરબકોર, હોબાળા અને હંગામાના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઇ ગઇ હતી. લોકશાહી પ્રણાલિ અને ગુજરાતની અસ્મિતાના લીરેલીરા ઉડાડતાં દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં વિધાનસભા અધ્યક્ષે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતને સમગ્ર સત્ર માટે અને વિક્રમ માડમને આજના દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

(7:37 pm IST)