Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ગુજરાતમાં ઉનાળુ મગફળીનું વાવેતર ૨૧ ટકા ઘટયું: બાજરીમાં ૨૨ ટકાનો વધારો

ડુંગળીના ભાવો ખૂબ નીચા હોવાથી ૬૯ ટકા વાવેતર ઘટી ગયું

રાજકોટ, તા. ૧૪ :. ગુજરાતમાં ઉનાળુ વાવેતર ૪૦ ટકા ઉપર પૂર્ણ થઈ ચૂકયુ છે અને સરકારી આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ૧૨મી માર્ચ સુધીમાં મગફળીનાં વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે બાજરીનાં વાવેતરમાં ૨૨ ટકાનો વધારો થયો છે. તમામ પાકોનું મળીને કુલ ઉનાળુ વાવેતર વિસ્તાર ગત વર્ષની તુલનાએ માત્ર ચાર ટકા જ વધ્યો છે.

ગુજરાત સરકારના કૃષિ વિભાગના તાજા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ૧૨મી માર્ચ સુધીમાં તમામ પાકોનું વાવેતર ૩.૫૦ લાખ હેકટરમાં થયુ છે, જે ગત વર્ષે આજ સમયે ૩.૩૮ લાખ હેકટરમાં થયુ હતું. આમ ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ચાર ટકાનો વધારો થયો છે. રાજ્યમાં સામાન્ય રીતે સમગ્ર સિઝન દરમિયાન ૮.૫૪ લાખ હેકટરમાં વાવેતર થાય છે, જેનુ ૪૧ ટકા વાવેતર સંપન્ન થઈ ચૂકયુ છે.

ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બાજરીનું થાય છે, જેના વાવેતરમાં ચાલુ વર્ષે ૨૨ ટકાનો વધારો થઈને ૮૨૭૦૦ હેકટરમાં વાવેતર થયુ છે. વેપારીઓના અંદાજ પ્રમાણે બાજરીનું વાવેતર ગત વર્ષની તુલનાએ ઘટીને આવે તેવી ધારણા છે. મગફળીનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૨૧ ટકા ઘટીને ૨૮૧૦૦ હેકટરમાં થયુ છે, જે ગત વર્ષે ૩૫૪૦૦ હેકટરમાં થયુ હતું. તલના વાવેતરમાં પણ ૧૩ ટકાનો ઘટાડો થયો છે.

ડુંગળીના ભાવ ખૂબ જ નીચા હોવાથી તેના વાવેતરમાં સૌથી વધુ ૬૯ ટકાનો ઘટાડો થયો છે. એક બાજુ પાણીની તંગી અને બીજી તરફ ભાવ પણ નીચા હોવાથી ખેડૂતોએ ડુંગળીના વાવેતરથી મોં જ ફેરવી લીધુ છે, પરિણામે તેના વાવેતરમાં સમગ્ર સિઝનને અંતે  પણ ઘટાડો  જોવા  મળશે.

સરકારે ખાંડના ઉત્પાદનનો અંદાજ ૨૩ લાખ ટન વધાર્યો

ઈન્ડીયન સુગર મિલ એસોસીએશન દ્વારા ગત સપ્તાહે ખાંડના ઉત્પાદનનો અંદાજ વધાર્યા બાદ આજે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે પણ ખાંડના ઉત્પાદનનાં અંદાજમાં ૨૩ લાખ ટનનો વધારો કર્યો છે. જો કે તેમ છતા ઈસ્માના અંદાજ કરતા આ અંદાજ હજી નીચો જ છે.

(12:01 pm IST)