Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બોરસદના કણભા ગામે સિકંદરશાનો ગળેફાંસો ખાઈ આપઘાત પુત્ર અન્ય જ્ઞાતિની યુવતીને ભગાડી જતા પગલું ભર્યાનું તારણ

પોલીસ દ્વારા વારેઘડીએ હેરાન પરેશાન કરાતાં આખરે માનસિક ટેન્શનમાં આપઘાત કર્યાનો પરિવારજનોનો આક્ષેપ

બોરસદ તાલુકાના કણભા ગામે રહેતા સિકંદરશા આલમશા દિવાન નામના આધેડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા આધેડનો પુત્ર ગામની એક અન્ય જ્ઞાતિની યુવતીને ભગાડી લઈ જતાં પોલીસ દ્વારા વારેઘડીએ હેરાન પરેશાન કરાતાં આખરે માનસિક ટેન્શનમાં આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે . 

 આ અંગે મળતી વિગત મુજબ કણભા ગામે રહેતા અને ખેતમજુરી કરીને જીવન ગુજરાન ચલાવતા સિકંદરશા આલમશા દિવાનનો પુત્ર ઈમરાનશા થોડા સમય અગાઉ ગામની એક અન્ય જ્ઞાતિની યુવતીને ભગાડી ગયો હતો જેને લઈને ગામનો માહોલ પણ બગડ્યો હતો. વ્યથિત રહેતા સિકંદરશા ગત ૧૦મી તારીખના રોજ રાત્રે ઘરેથી નીકળી ગયા હતા અને ૧૧મી તારીખના રોજ સવારે તેમની લાશ કણભા ગામના કબ્રસ્તાનમાં ગુલમહોરના ઝાડ સાથે લટકતી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઘરના સભ્યો ત્યાં દોડી ગયા હતા અને વીરસદ પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી ગઈ હતી અને લાશને નીચે ઉતારીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. ગુલમહોરના ઝાડ સાથે દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ લેનાર સિકંદરશા પાસેથી એક સ્યુસાઈટ નોટ મળી આવી હતી જેમાં પુત્ર દ્વારા નજીકમાં જ રહેતી એક સગીરાને ભગાડીને લઈ જતા તેઓ વ્યથિત થયા હતા. સગીરાના ઘરવાળા વારેઘડીએ ઘરે આવીને તેણીને પરત લાવવાની માંગણી કરતા હતા જેના કારણે આખરે પુત્રના કારસ્તાનથી કંટાળીને આપઘાત કર્યાનું પોલીસે જણાવ્યું હતુ. 

કણભાના ચકચારી આપઘાત કેસ અંગે વીરસદના પીએસઆઈનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતુ કે, સીકંદશાનો પુત્ર ઈમરાનશા તેમના કહ્યામાં નહોતો અને અગાઉ પાંચ વર્ષ પહેલાં તેની સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યાની પેપરમાં જાહેરાત પણ આપી હતી. દરમ્યાન બાજુમાં જ રહેતી એક અન્ય જ્ઞાતિની સગીરાને ઈમરાનશા ભગાડીને લઈ ગયો હતો. જેને લઈને પિતા માનસિક તાણ અનુભવતા હતા. આ અંગે સગીરાના માતા-પિતા દ્વારા પણ વીરસદ પોલીસ મથકે કોઈ જાણ કે ફરિયાદ કરવામાં આવી નહોતી જેથી પોલીસ દ્વારા તેમને હેરાનપરેશાન કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. સમગ્ર ઘટના અંગે તપાસ કરતાં સીકંદરશા પુત્રના કરતુતોથી ભારે પરેશાન હતા જેને લઈને તેમણે આ પગલું ભર્યુ છે.

કણભા ગામના કબ્રસ્તાનમાં ગુલમહોરના ઝાડ સાથે લટકીને આપઘાત કરનાર સીકંદરશાના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, એક મહિના પહેલાં તેમનો પુત્ર સગીરાને ભગાડી લઈ ગયો હતો જેની ઘણી શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો નહોતો. આ તરફ વીરસદ અને એલસીબી પોલીસ દ્વારા પણ વારેઘડીએ આવીને સીકંદરશાને હેરાન પરેશાન કરતા હતા જેના કારણે તેઓએ આ અંતિમ પગલું ભર્યુ હતુ.

(10:20 am IST)