News of Wednesday, 14th March 2018

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજોની હાલત કફોડીઃ ૩૪પ કોલેજોમાં પ્રિન્સિપાલ સહિતના સ્ટાફની ૩પ૯૭ જગ્‍યા ખાલી

અમદાવાદઃ ગુજરાતમાં શૈક્ષણિક વિકાસની ગુલબાંગો સરકાર દ્વારા ફૂંકવામાં આવી રહી છે ત્‍યારે ચોંકાવનારી હકિકત બહાર આવ્‍યા મુજબ રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજોમાં પ્રિન્‍સીપાલ સહિતના સ્‍ટાફની જગ્‍યાઓ ખાલીખમ્મ છે. જેના કારણે વિદ્યાર્થીઓના ભાવિ પર  અવળી અસર પડી રહી છે.

રાજ્યમાં ઠેર ઠેર કોલેજોની ભરમાર ફૂટી નીકળી છે પરંતુ તેમાં ભણતા લાખો વિદ્યાર્થીઓના ભણાવનાર જ કોઈ નથી. તેમાં પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજની હાલત સૌથી કફોડી છે. જેમાં 72 સરકારી અને 54 ગ્રાન્ટ ઈન કોલેજો મળીને રાજ્યની કુલ 154 આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજોમાં તો પ્રિન્સિપાલ જ નથી.

વાત ફક્ત અહીં જ નથી અટકતી, આ તો થઈ શિક્ષણ જગતની ટોપ પોસ્ટની વાત પરંતુ રાજ્યની બધી જ 345 સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજોમાં કુલ 3597 જેટલી પોસ્ટ ખાલી છે. આ માહિતી વિધાનસભામાં પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં સરકારે જણાવી હતી. આ ખાલી જગ્યાઓમાં પ્રોફેસર, પ્રિન્સિપાલ અને બીજી વહિવટી જગ્યાઓ પણ સામેલ છે.

જે પૈકી 990 જેટલી જગ્યાઓ સરકારી કોલેજોમાં ખાલી છે જ્યારે 2607 જેટલી જગ્યાઓ ગ્રાન્ટ ઇન કોલેજોમાં ખાલી છે. જો અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો સરકારી કોલેજોમાં 52 પૈકી 30 કોલેજોમાં પ્રિન્સિપાલ જ નથી. તેમજ 189 જેટલા અન્ય પદો પર પણ જગ્યાઓ ખાલી છે. જ્યારે તેની સામે સરકારે અત્યાર સુધીમાં કુલ 454 જેટલી જગ્યાઓ નિયુક્તિ માટે મંજૂર કરી છે.

તો જિલ્લાની ગ્રાન્ટ ઈન કોલેજોમાં વાત કરવામાં આવે તો મંજૂર થયેલ 982 પૈકી ફક્ત 582 જગ્યાઓ પર જ ભરતી કરવામાં આવી છે. જેનો સીધો મતલબ થાય છે કે મંજૂર કર્યા પછી અમદાવાદ જિલ્લાની કોલેજોમાં સરકાર ફક્ત 40% જ જગ્યાઓ પર ભરતી કરી શકી છે. ત્યારે ક્વોલિટી શિક્ષણ સામે પણ એક મોટો સવાલ ઉભો થાય છે.

આ મામલે વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ‘સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજોમાં ભરતી નહીં કરીને સરકાર આ કોલેજોનું માળખું તોડી નાખવા માગે છે અને તેની સામે પ્રાઇવેટ કોલેજને સદ્ધર કરવાનું આ કાવતરું છે.જ્યારે આ મામલે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ‘ભરતી પ્રક્રિયા એક એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે અને તે ચાલુ જ છે સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચિલ્ડ્રન યુનિવર્સિટિમાં પણ કુલ મંજૂર કરવામાં આવેલ 56માંથી ફક્ત 10 જગ્યાઓ એટલે કે માત્ર 17.85% જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં એક વાઇસ ચાન્સલર, 6 આસિ.પ્રોફેસર અને 3 ટીચર્સ છે. જ્યારે પ્રોફેસરની 4 પોસ્ટ અને એસોસિએટ પ્રોફેસરની 8 પોસ્ટ હજુ સુધી ખાલી જ છે. તો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફમાં પણ 20 જગ્યાઓ ખાલી છે.

(5:39 pm IST)
  • મોરબીમાં ખાનગી શાળામાં પરિક્ષા આપી રહેલ વિદ્યાર્થીની બેભાન બની જતાં ૧૦૮ દ્વારા ટૂકી સારવાર અપાઈ બાદમાં પરીક્ષા ખંડમાં પરીક્ષા દેવા માટે બેસાડવામાં આવી access_time 5:14 pm IST

  • ભાજપે કોંગ્રેસના નારણભાઇ રાઠવાની ઉમેદવારી-દસ્તાવેજો અંગે વાંધા ઉઠાવ્યાગુજરાતની રાજયસભાની ચુંટણીમાં સર્જાયેલ વિવાદ : દિલ્હી ચૂંટણી પંચ સુધી મામલો પહોંચ્યો : રાજય ચૂંટણી પંચે માર્ગદર્શન માગ્યું : થોડીવારમાં ચૂકાદો આવશે. access_time 4:18 pm IST

  • કોલકત્તાની એક ગર્લ્સ સ્કૂલમાં 8 માર્ચ મહિલા દિનના દિવસે જ 10 વિદ્યાર્થિનીઓ પાસે લેખિતમાં લેવામાં આવ્યું કે તેઓ લેસ્બિયન(સજાતીય) છે. આ મુદ્દે વાલીઓએ હેડમિસ્ટ્રેસને સોમવારે મળીને હોબાળો મચાવ્યો હતો. શાળાનું કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીઓને સાચા માર્ગે લઇ જવામાં આવે. વિદ્યાર્થિનીઓ ક્લાસમાં ખૂબ મસ્તી કરી રહી છે. access_time 12:58 am IST