Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

કાલે સર્વાર્થ સિદ્ધિ યોગમાં શનિદેવ મંદિરોમાં પૂજા થશે

કાલે કૃષ્ણ મંદિરોમાં શ્રીનાથજી પાટોત્સવ ઉજવણી : ડભોડિયા મંદિર ખાતે જુગલદાસ મહારાજની પુણ્યતિથિ નિમિતે સંતો, મહંતો અને મહામંડલેશ્વરોનું સન્માન કરાશે

અમદાવાદ,તા. ૧૪ : આવતીકાલે તા.૧૫ ફેબ્રુઆરી શનિવારના રોજ અનોખા સર્વાર્થ સિધ્ધિ યોગ બની રહ્યો છે. જેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શનિદેવ, હનુમાનજી દાદાના મંદિરો સહિતના મંદિરોમાં વિશેષ પૂજા, આરતી અને અર્ચનાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સર્વાર્થ સિધ્ધિ એવા યોગમાં કરવામાં આવતા પૂજા-પાઠ અને શુભ કામ જલ્દી સિધ્ધ થઇ શકે છે, તેથી યોગ ઘણો મહત્વનો મનાઇ રહ્યો છે. બીજીબાજુ, આજે ગાંધીનગર જિલ્લાના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે જુગલદાસજી મહારાજની પુણ્યતિથિ હોઇ પ્રસંગે સંતો, મહંતો અને મહામંડલેશ્વરોનું વિશેષ આદર, સન્માન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ડભોડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ગજ્જર, બળદેવજી પરમાર, હીરાભાઇ પટેલ, પૂજારી રાજુભાઇ મહેતા સહિતના મહાનુભાવો દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિત રાજયના જુદા જુદા સ્થળોએથી આવેલા સાધુ-સંતો, મહંતો અને મહામંડલેશ્વરોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને તેઓને દાન-દક્ષિણા અર્પણ કરાયા હતા.

        તો, મંદિર પ્રાંગણમાં સાધુ-સંતો, મહંતો અને મહામંડલેશ્વરો માટે ભોજન-પ્રસાદ(ભંડારા)નું વિશેષ આયોજન કરાયું હતું. આવતીકાલે શ્રીકૃષ્ણ મંદિરો, વૈષ્ણવ હવેલીમાં શ્રીનાથજી પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે શનિવારે સર્વાર્થ સિધ્ધિ યોગ હોઇ શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન અને ચમત્કારિક એવા શનિમંદિર, શાહીબાગના શનિમંદિર, થલતેજ વિસ્તારમાં આવેલા વૈભવલક્ષ્મી મંદિર ખાતેના શનિમંદિર, સાલ હોસ્પિટલની સામે આવેલા શનિદેવ મંદિર, સોલારોડ પર આવેલા કાંકરિયા હનુમાનજી ખાતેના શનિદેવ મંદિર, વૈષ્ણૌદેવી સર્કલ ખાતે મારૂતિનંદન મંદિરમાં શનિદેવ મંદિર સહિતના વિવિધ શનિદેવ મંદિરોમાં વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

          આ પ્રકારે શહેરના વિવિધ હનુમાનજી  દાદાના મંદિરો સહિતના અન્ય મંદિરોમાં પણ વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન થયું છે. જયોતિષાચાર્યોના મતે, ખૂબ લાભકારક એવા સર્વાર્થ સિધ્ધિ યોગમાં મોટાભાગના લોકો તેમના નવા અને શુભ કાર્યોની શરૂઆત કરવાનું પસંદ કરે છે. શનિવારે યોગ હોવાથી દિવસે શનિની વિશેષ પૂજા કરવી જોઇએ. નવ ગ્રહોમાં શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. ગ્રહ આપણાં સારા-ખરાબ કર્મોનું શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. શનિદેવ સૂર્યદેવના પુત્ર છે. આવતીકાલે શ્રધ્ધાળુઓએ શનિદેવને તેમને પ્રિય વાદળી ફુલ અર્પણ કરી તેલનો અભિષેક કરી તેમના આર્શાવીદ મેળવવા જોઇએ.

શનિદેવની પૂજામાં ધ્યાન રાખવાની બાબતો.........

*          શનિ પૂજા કરતી વખતે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તાંબું સૂર્યની ધાતુ છે. શનિ અને સૂર્ય એકબીજાને દુશ્મન માને છે. તેમની પૂજામાં લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઇએ. લોખંડ અથવા માટીનો દીવો પ્રગટાવવો, લોખંડના વાસણમાં ભરીને તેલ ચઢાવવું.

*          શનિદેવને લાલ કપડાં અને લાલ ફૂલ ચઢાવવા નહીં, વસ્તુઓ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. ગ્રહ પણ શનિનો દુશ્મન છે. શનિદેવની પૂજામાં કાળા અથવા વાદળી રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ રહે છે. શનિદેવને વાદળી ફૂલ ચઢાવવા જોઇએ.

*          શનિદેવ પશ્ચિમ દિશાના સ્વામી છે, એટલે તેમની પૂજા કરતી વખતે અથવા શનિ મંત્રનો જાપ કરતી વખતે ભક્તનું મુખ પશ્ચિમ દિશામાં હોવું જોઇએ. શનિ મંત્ર શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો.

(9:58 pm IST)