Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ટ્રમ્પની મુલાકાત દરમિયાન મોટેરા સ્ટેડિયમમાં પાણીની બોટલ લઇ જવાની મનાઈ :પાણી માટે પેપર કપ મુકાશે

વીસ-વીસ લીટરની ક્ષમતા વાળા જાર બહારના ભાગે મુકાશે:સ્ટેડિયમમાં એક હજાર એમએલડી ક્ષમતા વાળો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો

અમદાવાદ : અમદાવાદમાં આવનાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલામતીના કારણે સ્ટેડિયમમાં કડક સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ થઇ રહી છે. મોટેરા સ્ટેડિયમમાં એક પણ પાણીની બોટલ પણ સાથે લઈ જવા નહીં દેવાય. જે માટે સ્ટેડિયમમાં જ એક હજાર MLD ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે

24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડીયમ ખાતે આવનારા મુલાકાતીઓ પાણીનું પાઉચ અથવા બોટલ ફેંકે નહીં એની તકેદારી રાખવામાં આવી છે. આ કારણોથી પાણીના પાઉચ, બોટલ કે ફેંકી શકાય એવી કોઈપણ ચીજ સ્ટેડીયમની અંદર લઈ જવા દેવામાં આવશે નહીં. કડક અને સઘન તપાસ બાદ જ લોકોને સ્ટેડીયમમાં પ્રવેશ મળશે. સ્ટેડીયમની અંદર બેઠેલા તમામને પીવાનું પાણી સરળતાથી મળી રહે એ માટે તાબડતોબ એક હજાર MLD ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે.
          

            જો કે આ પ્લાન્ટ નવનિર્મિત મોટેરા સ્ટેડીયમનો જ ભાગ છે કે પછી મ્યુનિ.દ્વારા બનાવાયો છે? એ અંગે ખુલીને કોઈ કહેવા તૈયાર નથી.

             પરંતુ કાર્યક્રમમાં બેઠેલા તમામને આ પ્લાન્ટમાંથી પીવાનુ પાણી મળી રહે એ પ્રમાણેનું આયોજન કરાશે. માત્ર પાણીની બોટલ જ નહીં પરંતુ સ્ટેડિયમમાં જનારાને કોઇપણ વસ્તુ સાથે લઇ જવા દેવામાં નહીં આવે. જેથી સ્ટેડિયમમાં પીવાના પાણી માટે પેપર કપ મુકાશે.જેને ફેંકવા માટે નજીકમાં જ ડસ્ટબીન પણ મુકાશે.

 

(9:08 pm IST)