Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

એરફોર્સ વન સહિતના કુલ ૮ વિમાનો અમદાવાદ પહોંચશે

બે વિમાનો એડવાન્સમાં પહોંચવાની તૈયારીમાં : કાર્ગો વિમાનોનો ઉપયોગ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાર માટે થયો : રિપોર્ટ

અમદાવાદ, તા. ૧૪ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બનવા ઉત્સુક બન્યા છે ત્યારે અભૂતપૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમેરિકી પ્રમુખના એરફોર્સ વનની સાથે અન્ય સાત અમેરિકી વિમાનો પણ પહોંચનાર છે. અમદાવાદમાં બપોરની આસપાસ આ વિમાનો પહોંચી જશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એરફોર્સ વન બોઇંગ ૭૪૭ વિમાનમાં અનેક વિશેષતાઓ રહેલી છે. અમેરિકી પ્રમુખની સાથે સાથે તેમના પત્નિ પણ આવી રહ્યા છે. સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, અમદાવાદ વિમાની મથકે કુલ ૮ વિમાનો પહોંચશે જેમાં એરફોર્સ વન સહિત બે બોઇંગ ૭૪૭ સામેલ છે. છ કાર્ગો વિમાનો રહેશે. આ કાર્ગો વિમાનોનો ઉપયોગ કાર માટે કરવામાં આવ્યો છે.

            આ કારનો ઉપયોગ અમેરિકી પ્રમુખ દ્વારા કરવામાં આવનાર છે. અન્ય લોજિસ્ટિક સપોર્ટ માટે પણ આ કાર્ગોનો ઉપયોગ કરાયો છે. અન્ય સામગ્રી માટે પણ આ વિમાનનો ઉપયોગ કરાયો છે. છ કાર્ગો વિમાનોમાં ગ્લોબમાસ્ટર અને હરક્યુલેસ કાર્ગો વિમાનોનો સમાવેશ થાય છે. હરક્યુલેસ વિમાનનો ઉપયોગ પણ જુદા જુદા ઉપયોગ માટે થનાર છે. ચાર કાર્ગો વિમાન એડવાન્સમાં પહોંચશે જ્યારે બાકીના વિમાનો ૨૪મી ફેબ્રુઆરીના દિવસે બે પેસેન્જર વિમાન સાથે પહોંચશે. અમેરિકી પ્રમુખની સુરક્ષા પર નજર રાખવા અમેરિકી સુરક્ષા સંસ્થાઓ પણ તૈનાત રહેશે. પ્રમુખ જેમાં રોકાશે તે અને અન્ય રુમ અમેરિકી પ્રમુખ અને પ્રથમ મહિલા માટે રહેશે.

(8:43 pm IST)