Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સુરતમાં ડ્રેનેજની સફાઇ માટે રોબોટનો થશે ઉપયોગ : દેશના 12 શહેરો પૈકી ગુજરાતમાં પહેલીવાર પ્રયોગ

સૌપહેલા માત્ર એક રોબૉટ 40 લાખના ખર્ચે ખરીદી કરાશે

સુરત : ફાયર વિભાગમાં રોબૉટનો ઉપયોગ કરવાના નિર્ણય બાદ હવે મહાનગર પાલિકા ડ્રેનેજની કામગીરી માટે પણ રોબૉટનો ઉપયોગ કરશે. ભારત દેશના 12 જેટલા શહેરોમાં ડ્રેનેજની સફાઈ માટે રોબૉટ છે, ગુજરાતમાં પહેલીવાર સુરતમાં રોબોટનો પ્રયોગ થશે  આ રોબૉટની કિંમત 40 લાખ રૂપિયા છે. સૌપહેલા માત્ર એક રોબૉટની ખરીદી કરવામાં આવશે, ત્યાર બાદ તમામ ઝોન માટે એક એક રોબૉટ ખરીદવામાં આવશે.

  જૂના સુરત વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઈન હોવા ઉપરાંત હાલ વસ્તી અને વિસ્તાર વધતાની સાથે ડ્રેનેજ નેટવર્કમાં પણ વધારો થયો છે. હાલ શહેરમાં 114 જેટલા મશીનથી કામગીરી કરવામા આવે છે. 2006થી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડ્રેનેજના મેઈન હોલમાં કામદારોને ઉતારવાનું બંધ કરાયું છે. તંત્ર દ્વારા સીસી કેમેરા સાથે સુપર સકર મશીન, સુવર જેટિંગ મશીન, ગલ્પર મશીન, ગ્રેબ બકેટ જેવી મશીનરીનો ઉપયોગ કરીને ડ્રેનેજ સફાઈની કામગીરી કરાવાય છે.
  હવે ડ્રેનેજની કામગીરી વધુ સઘન બને તે માટે રોબોટિક ક્લિનિંગ કન્સેપ્ટ લાવી રહી છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા રોબૉટ મારફતે ડ્રેનેજની સફાઈ કામગીરી સારી રીતે કરાવાય છે. જેથી સુરત મ્યુનિ.એ પણ આવા રોબૉટ ખરીદવા નિર્ણય કર્યો છે. 40 લાખ રૂપિયાનો રોબૉટ ડ્રેનેજનું ઢાંકણ ખોલવાની કામગીરી પણ કરશે. 25 ફૂટની ઊંડાઈ સુધી જઈને સફાઈની કામગીર કરશે. જેમાં એક કેમેરો પણ હશે. જેથી તેને ઓપરેટ કરનારને અંદરની પરિસ્થિતિ માલુમ પડી શકે. જો ગેસ ચેમ્બરમાં વધુ પડતો ગેસ હશે તો તેની પણ માહિતી રોબર્ટ આપશે. આ પ્રકારે ડ્રેનેજની સફાઈની કામગીરી કરતું ગુજરાત રાજ્યનું પહેલું રાજ્ય બનશે.

(1:21 pm IST)