Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઇ રૂટને વ્યવસ્થિત કરવા માટે તૈયારી

ઝુંપડપટ્ટીને ઢાંકી દેવાના પ્રયાસોથી નારાજગી : ઈન્દિરાબ્રિજ પાસે ગણતરીના કલાકોમાં ઝુંપડાઓ આગળ સાત ફુટ ઉંચી તેમજ લાંબી દિવાલો ઉભી કરાતા નારાજગી

અમદાવાદ,તા. ૧૩  : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તા.૨૪ ફેબ્રુઆરીની અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને તંત્ર દ્વારા ટ્રમ્પ સમક્ષ અમદાવાદ શહેરને બહુ જ સુંદર, સ્વચ્છ અને રમણીય દર્શાવવાના બનતા તમામ પ્રયાસો થઇ રહ્યા છે. જો કે, તેમાં કયાંક સત્તાધીશોનો આડંબર અને દંભ પણ ઉજાગર થઇ રહ્યો છે. ખાસ કરીને એરપોર્ટથી લઇ ઇન્દિરાબ્રીજને જોડતાં સરણિયા વાસ પાસે આવેલી ઝુંપડપટ્ટીના ઝુંપડાઓ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ધ્યાનમાં ના આવે તે હેતુથી આ રૂટ પર સાત ફુટ ઉંચી અને લાંબી દિવાલ ગણતરીના કલાકોમાં ઉભી કરી દેવાઇ છે, બીજીબાજુ, અમ્યુકો સત્તાવાળાઓના આ હીન પ્રયાસને લઇ સ્થાનિક ઝુંપડાવાસીઓ અને અન્ય રહીશોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.

         તેમણે સત્તાવાળાઓના આ પ્રકારના વલણને લઇ ભારે વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલન્ડ ટ્રમ્પની શહેરની મુલાકાત અને તેને લઇ ચાલી રહેલી યુધ્ધના ધોરણે તડામાર તૈયારીઓ વચ્ચે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લઈ ઈન્દિરા બ્રિજને જોડતા રોડ પર સરણિયા વાસ પાસે સાત ફુટ ઉંચી અને એકદમ લાંબી દિવાલ ગણતરીના કલાકોમાં મજૂરોને કામે લગાડી ઉભી કરી દેવડાવવામાં આવી હતી. જો કે, સ્થાનિક ઝુંપડાવાસીઓએ અમ્યુકોના આ દંભી વલણ અને હીન પ્રયાસને વખોડતા જણાવ્યું હતું કે, અમારા ઝુંપડાઓથી સત્તાવાળાઓને શરમ આવે છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્ને અમારા ઝુંપડાઓ દેખાઇ ના જાય તેટલા માટે અમારા ઝુંપડાઓ ઢાંકવા આ પ્રકારે રાતોરાત દિવાલ બનાવી દેવાઇ છે પરંતુ આ બહુ શરમજનક અને આંડબરભર્યુ કૃત્ય કહી શકાય.

            દરમ્યાન ઝુંપડાવાસીઓના આ આક્ષેપોને લઇ શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલ બચાવની મુદ્રામાં જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે, મેં હજુ સુધી કંઈ જોયું નથી અને તે અંગે કંઈ જાણતી નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમના રૂટ સુધી ઝાકમઝોળ બતાવવા માટે સમગ્ર રૂટ પર ઝળહળતી અને આકર્ષક લાઇટીંગ લગાવવાનું આયોજન ચાલી રહ્યું છે. તો સમગ્ર રૂટ પર ફૂલ છોડ અને જરૂરી સુશોભન કરવામાં આવી રહ્યા છે. તો, એરપોર્ટ સર્કલથી ગાંધીઆશ્રમ સુધી થનારા રોડ શો માટે સ્ટેજ બનાવવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઇ રહી છે. એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમના રૂટ પર મોદી અને ટ્રમ્પને આવકારતા વિશાળ હોર્ડિંગ્સ લગાવવાનું આયોજન ચાલી રહ્યું છે.

(8:46 pm IST)
  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST