Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યાત્રાને લઇ હજારો કાર, બસ માટે પાર્કિંગની વ્યવસ્થા

ટ્રાફિકની સમસ્યાને ટાળવાના હેતુસર આયોજન : પાર્કિંગના ક્ષેત્રમાં પાણી, મેડિકલ ટીમ, મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા ઉપલબ્ધ : પ્રાથમિક આયોજનની તૈયારી

અમદાવાદ,તા. ૧૩ : અમદાવાદમાં હાલ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી મુલાકાતને લઇ રોજ નવા સમાચાર અને નવી વ્યવસ્થાના આયોજનની વાત સામે આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની દેશના વડાપ્રધાન મોદી સાથે આગામી તા.૨૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાતે આવનાર છે. આ મુલાકાતને લઈ હજારો વાહનોના પાર્કિંગ અને તેની ગોઠવણ માટે મોટેરા સ્ટેડિયમની આસપાસ ખાસ પ્રકારે ૧૫ પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાં ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે ખાસ ઈલેક્ટ્રોનિક કાઉન્ટ સીસ્ટમ ગોઠવવામાં આવશે, જેનાથી પાર્કિંગની ખાલી જગ્યા અંગે માહિતી મળશે. આ ૧૫ પાર્કિંગ પ્લોટમાં ૫૬૦૦ કાર, ૨૧૦૦ બસની સાથે દરેક પ્લોટમાં ૩૦૦થી ૫૦૦ ટુ વ્હીલર પણ પાર્ક થઈ શકશે. એટલું જ નહી, પાર્કિંગ પ્લોટમાં પીવાના પાણીની, મેડિકલ ટીમ, ફર્સ્ટ એઇડ કીટ, મોબાઇલ ટોયલેટ વાન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવાશે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઇ સરકારના અલગ અલગ વિભાગ, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રમ્પની મુલાકાતને લઇ અમદાવાદ યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કામે લાગી ગયું છે. કોર્પોરેશન દ્વારા મોટેરા, વિસત ગાંધીનગર રોડ, સાબરમતી સહિતના આસપાસના ૧૦ કિલોમીટર વિસ્તારના ૧૬ રોડ રસ્તા નવા બનાવવાની કામગીરી ચાલી રહી છે અને તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં રસ્તાના કામો પૂર્ણ કરી દેવાના આદેશ કરવામાં આવ્યા છે. ટ્રમ્પની મુલાકાતને લઇ સમગ્ર કામગીરી ઝડપથી પૂર્ણ કરવા શહેરના મોટાભાગના કોન્ટ્રાકટરોને  અહીં જ ખડકી દેવામાં આવ્યા છે. મોટેરા સ્ટેડિયમની આસપાસ નક્કી કરેલા ૧૫ જેટલા પાર્કિંગ પ્લોટ જેમાં અત્યાર સુધી શાક માર્કેટ અને સમ્પ સાઈટના ગાડીઓ વાળા રહેતા હતા તેમને હટાવી ત્યાં લેવલીંગ કરી પાર્કિગ પ્લોટ સરખા કરવાની તજવીજ હાથ ધરાઇ છે. કોર્પોરેશન દ્વારા કાર્યક્રમમાં આવનાર લોકો માટે સ્ટેડિયમમાં અને ર્પાકિંગ પ્લોટમાં પીવાના પાણીની, મેડિકલ ટીમ, ફર્સ્ટ એઇડ કીટ અને મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા ઉભી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાંથી કાર્યક્રમમાં આવનારા લોકોને લાવવા અને લઇ જવા માટે એએમટીએસ બસની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને અમદાવાદના સ્ટેડિયમ અને ગાંધી આશ્રમના રૂટ સુધી ઝાકમઝોળ બતાવવા માટે સમગ્ર રૂટ પર લાઇટીંગ લગાવવામાં આવશે. રૂટ પર ફૂલ છોડ અને જરૂરી સુશોભન કરવામાં આવશે. એરપોર્ટ સર્કલથી ગાંધીઆશ્રમ સુધી થનારા રોડ શો માટે સ્ટેજ બનાવવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમના રૂટ પર મોદી અને ટ્રમ્પને આવકારતા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે, સમગ્ર રૂટ પર ફાયરબ્રિગેડની ગાડીઓ તૈનાત રહેશે તો, ટ્રમ્પ જયાંથી પસાર થવાના છે તે સમગ્ર રૂટ પરના દબાણો અને રખડતા ઢોર દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. એકરીતે જોવા જઇએ તો, સમગ્ર મોટેરા અને તેની આસપાસના દસ કિ.મી વિસ્તારની કાયાપલટ કરી દેવાઇ છે.

(8:44 pm IST)
  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST