Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

અમદાવાદ : વેલેન્ટાઇન ડેની પરંપરાગતરીતે ઉજવણી થઇ

ગોલ્ડન રોઝ-જવેલરીની ગીફ્ટોની આપ-લે થઇ : લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડી બીયર, ફેન્સી રોઝ સહિતના આકર્ષણો

અમદાવાદ,તા.૧૪ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં આજે યુવા હૈયાઓ ખાસ કરીને પ્રેમીપંખીડાઓએ વેલેન્ટાઇન ડેની ભારે ઉત્સાહ અને રોમેન્ટીક મૂડમાં ઉજવણી કરી હતી. પ્રેમીઓએ એકબીજાને લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડી બેર અને ફેન્સી રોઝ સહિતની ગીફ્ટ અને  આકર્ષણોથી પોતાના પ્રેમની અભિવ્યકિત કરી હતી. આ વખતે ગોલ્ડન રોઝ અને જવેલરીની ગીફ્ટનો ટ્રેન્ડ અને ક્રેઝ વધુ જોવા મળ્યો હતો. પ્રેમીપંખીડાઓએ વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરી પોતાના પ્રેમ અને આ દિવસને યાદગાર બનાવવાનો જાણે પ્રયાસ કર્યો હતો. વેલેન્ટાઇન ડે ના દિવસે સામાન્ય રીતે વર્ષોથી લાલ રંગનું ગુલાબ આપવાનો ટ્રેન્ડ છે, પરંતુ હવે સાદા ગુલાબનું સ્થાન ગોલ્ડન રોઝ લઇ રહ્યા છે. આ વર્ષે બજેટ મુજબ ગોલ્ડન રોઝ આપવાનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. લોકોના બજેટ મુજબ હવે અવનવા ગોલ્ડન રોઝ બજારમાં ઉપલબ્ધ છે, જેમાં રિયલ ગોલ્ડ અને ગોલ્ડ પ્લેટેડ-બંને પ્રકારના રોઝની ખરીદી થઈ રહી છે. આ અંગે શહેરના જવેલર્સે જણાવ્યું હતું કે, અમે પ૦ ગોલ્ડ પ્લેટેડ રોઝ અને ૧૦ ગોલ્ડન રોઝનો ઓર્ડર મેળવ્યો છે, જેમાં બજેટ પ્રમાણેના વજનથી રોઝનું મેકિંગ થાય છે. કેટલીક ડિમાન્ડ મુજબ ગોલ્ડ પ્લેટિંગવાળા રોઝ પણ તૈયાર કરાયા છે. આ પ્રકારના ગોલ્ડ કે મેટલ બેઝ્ડ રોઝ લાંબો સમય ટકી રહે છે. ગોલ્ડન રોઝ ઉપરાંત ડાયમંડ રિંગ, પ્લેટિનમ પેન્ડન્ટ અને હાર્ટ શેપના પેડન્ટની ડિમાન્ડ પણ રહી છે. અમે ગોલ્ડ નહીં, પરંતુ ગોલ્ડ પ્લેટેડ લો બજેટ રોઝના ૧૦૦થી વધુ ઓર્ડર બુક કર્યા હતા, જેનું વેચાણ થઈ ચૂક્યું છે. પુરુષો માટે ગોલ્ડ પ્લેટેડ બેલ્ટનું વેચાણ પણ સારા પ્રમાણમાં થયું છે. શહેરના અન્ય જવેલર્સ અને ગીફ્ટ શોપ્સમાં પણ કંઇક આવી જ ડિમાન્ડ જોવા મળી હતી. બીજીબાજુ, હજુ પણ રિયલ ફ્લેવર બુકે, રોઝ બુકેનો ક્રેઝ પણ યથાવત્ છે. રૂ.પ૦થી શરૂ કરીને રૂ.પ,૦૦૦ સુધીનાં ફ્લેવર બુકે બજારમાં ખરીદાયા હતા. ધનિક વર્ગનાં પ્રેમીપંખીડાઓએ ચાંદીની વરખથી મઢેલાં અને વિદેશી ફૂલથી સજાવેલાં પાંચ થી સાત ફૂટનાં બુકે પણ ખરીદી કરી હતી. આજે બજારમાં ગુલાબના ભાવ વધીને ત્રણથી ચાર ગણા  નોંધાયા હતા. રૂપિયા દસમાં વેચાણ થતા ગુલાબ આજે રૂ.૩૦થી પ૦ના ભાવે વેચાતા જોવા મળ્યા હતા. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે અને વસંતપંચમી બંને દિવસ ખાસ માનવામાં આવે છે. વેલેન્ટાઇન ડેના દિવસે આજે શુભ મુહૂર્ત હોવાના લીધે ઠેર ઠેર લગ્ન પણ યોજાયાં હતા. દુકાન અને મોલમાં જ્વેલરી, ફ્લાવર્સ, ટેડીબેર્સ, ચોકલેટ અને અન્ય ગિફ્ટ માટે ખાસ કાઉન્ટર બનાવવામાં આવ્યાં હતા. વેલેન્ટાઈન ડેના પ્રસંગે લવ સોંગ્સની પણ બોલબાલા રહી હતી. પ્રેમીઓએ લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડી બેર અને ફેન્સી રોઝ સહિતની અનેક આકર્ષક અને યાદગારી ગીફ્ટ આપી પોતાના પ્રેમને યાદગાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

(8:30 pm IST)