Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ભાટમાં શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજમાં માતૃ-પિતૃ વંદના દિવસની ઉજવણી

માતા-પિતાના ચરણ -પૂજન અને પ્રદક્ષિણા કરાઈ :આશીર્વાદ માંગતા માતા પિતા ભાવુક બની બાળકોને ભેટી પડયા

અમદાવાદ: જીટીયુ સંલગ્ન શ્રીસ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી કોલેજ ભાટ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા માતૃ-પિતૃ વંદના દિવસ ઉજવાયો હતો આજે યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ અને કાર્ડ-ચોકલેટ કંપની દ્વારા માર્કેટિંગ વડે વેલેન્ટાઇનનાં નામે ભટકાતા કરે છે ત્યારે એસ.એસ.આઇ.ટી. એન્જીનીયરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતાનું ભારતીય સંસ્કૃતિનાં પરંપરા મુજબ તિલક, ચરણ-પૂજન અને પ્રદક્ષિણા કરી કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન ભરત ગઢવી અને અંકિત રાવલ દ્વારા વિધાર્થીઓને સમજવ્યું હતું કે આજની મોઘવારીમાં પણ સર્વદુખ સહન કરીને માં-બાપ બાળકનાં દરેક સુખ માટે ૨૪ કલાક તત્પર રહે છે, બાળક ભણી-ગણી ભલે ડૉક્ટર-એન્જીનીયર કે શ્રેષ્ઠ ધનવાન બને પણ જ્યારે તે માં-બાપ બને ત્યારે જ માતા-પિતાનું મૂલ્ય સમજી શકે છે. માં-બાપ નું ઋણ ચૂકવવું સ્વયં ભગવાન દ્વારા પણ શક્ય નથી.

   માતૃ-પિતૃ પૂજન દરમ્યાન જ્યારે બાળકોએ પ્રદક્ષિણા કરી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ માગ્યા ત્યારે માતા-પિતા ભાવુક થઈ અશ્રુભીની આંખે બાળકોને ભેટી પડ્યા હતા. આ દ્રશ્યથી કેમ્પસનું સમગ્ર વાતાવરણ ભાવવિભોર થઈ ગયું હતું. વક્તાશ્રીએ કહ્યું હતું કે ગણેશ ભગવાન દ્વારા માતા-પિતાની પ્રદક્ષિણા દ્વારા પૂરા બ્રહ્માંડની યાત્રા કરી, જેના આશીર્વાદ સ્વરૂપે આજે ગણેશજીની દરેક ધાર્મિક-વિધિમાં સર્વપ્રથમ પૂજાય છે. આમ માતા-પિતા નાં આશીર્વાદ માં વિશેષ શક્તિ રહેલી છે. જેની પ્રેરણા સ્વરૂપે આજના દિવસે કોલેજના વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી કે હવે દરરોજ માતા-પિતાનાં આશીર્વાદ લઈ ઘરનો ઉંબરો ઓળંગીશું.આવો કાર્યક્રમ કોલેજ ખાતે શ્રી સ્વામિનારાયણ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સૌપ્રથમ થયેલ છે. આ સંસ્થા ઉચ્ચ શિક્ષણ સાથે સંસ્કાર દ્વારા ભાવી યુવાનોનો સર્વાંગી વિકાસ કરી રાષ્ટ્ર વિકાસ માં વિશેષ ફાળો આપે છે.

   સંસ્થાના ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણસ્વામી અને શ્રી અક્ષરપ્રકાશ સ્વામી દ્વારા આ પ્રકારના સંસ્કાર દરેક કોલેજમાં અપાય અને આ યુવાનોને પરિવાર અને રાષ્ટ્ર પ્રેમની ભાવના જાગે તો ખરા અર્થમાં ભારત ન્યુ-ઈન્ડિયા બનશે. આજે જ્યારે રૂઢિચુસ્ત એવા આબુધાબીમાં જો હિન્દુ મંદિરોની સ્થાપના થતી હોય તો જરૂરી છે કે ભારત નાં દરેક ઘરમાં સંસ્કાર, ભારતીય સંસ્કૃતિ સચવાય અને તેનું સિંચન થાય એ હાલ નાં સમય ની જરૂરિયાત છે.

   સાથે કોલેજ થેલેસેમિયા જેવા ભયંકર રોગ વિષે માહિતી અને તેના ચેક-અપ કેમ્પનું આયોજન કરેલું હતું. આજના ફાસ્ટ જમાનામાં શહેરોમાં જ્યારે અકસ્માતોનાં ખૂબ બનાવો બને છે, આવા સમયે શહેરીજનો અને યુવાનોમાં રક્તદાનની આદત પડે તો ઘણા વ્યક્તિઓના જીવ અને પરિવાર બચાવી શકાય. કોલેજમાં ઉમળકાભેર ૧૦૦થી વધુ વિદ્યાર્થી અને સ્ટાફમિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અંતમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી ધર્મેશ વંડરા દ્વારા આજના દિવસને યાદગાર દિવસ તરીકે વિદ્યાર્થી તથા તેમના માતા-પિતા અને સ્ટાફમિત્રો ને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર ટકાવી રાખવા માટે કરેલ અદભુત અભિગમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

(9:39 pm IST)