Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગુજરાત-રાજસ્થાનને ધમરોળનાર ટોળકી અંતે પોલીસની પકકડમાં:૧૨૫ સ્થળોએ લૂંટ કરી'તી

આંતરરાજય ગેંગ હાઇવે પાસેના ગામોમાં જ ખાબકવાનું પસંદ કરતી'તીઃ બે કરોડની માલમત્તા ઉસેડયાની કબૂલાત :ભીલવાડા પંથકમાં પેટ્રોલપંપમાં હાથફેરો કરે એ પહેલા જ દબોચી લેવાયાઃ સુભાષનગર પોલીસ ટીમને મોટી સફળતા

ભીલવાડા,તા.૧૪: ગુજરાત અને રાજસ્થાનના હાઇવે ટચ ગામડાઓને નિશાન બનાવી છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવનારી આંતરરાજય લૂંટારૂ ગેંગને દબોચવામાં પોલીસને સફળતા સાંપડી છે...એક-બે નહિ,પણ એક સામટા ૧૨૫ જેટલા સ્થળોએથી અંદાજે બે કરોડની રકમની મત્તા ઉસેડયાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.

આ અંગે જાણવા મળ્યાનુસાર રાજસ્થાનમાં ભીલવાડા પંથકમાં આવેલ સુભાષનગર પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં નિકળેલા શખ્સોનો પીછો કરતા મોટી સફળતા સાંપડી હતી...પોલીસની સર્તકતાને પગલે પેટ્રોલપંપ લૂંટાતો બચી ગયો હતો, સાથે સાથે એકસો પચ્ચીસ સ્થળોએ લૂંટની અંજામ આપનારી આંતરરાજય ગેંગનો પણ પર્દાફાશ થયો હતો.

દરમિયાન મળેલી બાતમીના આધારે સુભાષનગર પોલીસની ટીમે રાત્રિના સમયે બંદોબસ્ત વધારવા સાથે જ વોચ પણ વધારી દીધી હતી.જેમાં એક પેટ્રોલપંપ ખાતે લૂંટારૂ ટોળકી ગુન્હાને અંજામ આપે તે પહેલા જ પકકડમાં કરી લેતા ગુજરાત  અને રાજસ્થાનના ૧૨૫ સ્થળોએ લૂંટ કર્યાની સનસનાટીભરી વિગતો ખુલી હતી.

આંતરરાજય ગેંગના પ્રકાશ કંજર (રહે.મેઘનિવાસ, બેન્ગુ-ચિતોડગઢ), રતન કંજર, અશોક ઉર્ફ કમલેશ, પીઉલાલ કંજર, મહેન્દ્ર કંજર, રાજેન્દ્ર કંજર અને જયનગરના ગોપાલ વૈષ્ણવ સહિતની ટોળકીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, ગુજરાત  અને રાજસ્થાનમાં ૧૨૫ જેટલી જગ્યાએ લૂંટ કરી આશરે બે કરોડની મત્તા ઉસેડી હતી.

વધુમાં જાણવા મળ્યાનુસાર લૂટારૂ ગેંગના ૬ થી ૭ શખ્સો રાતના અંધારામાં જીપમાં નિકળી મોટાભાગે હાઇવે નજીકના ગામોમાં લૂંટ કરવાનું પસંદ કરતા હતા. જે તે ગામોમાં ગુન્હો કર્યા બાદ હાઇવે ઉપર આવી અગાઉથી તૈયાર રખાયેલી જીપમાં બેસી પોબારા ભણી જતા હતા.

જો કોઇ જગ્યાએ રાતે કોઇ મકાન માલિક કે ગ્રામજનો જાગી જાય તો પથ્થરોના ઘા કરી લોકોનો સામનો કરતા હતા.મોટે ભાગે હાઇવે નજીકના જ ગામોમાં ગુન્હો આચરવાની ટેવ હોવાથી જયારે કોઇ પણ મુશ્કેલી ઉભી થાય તો તુરંત લપાતા-છુપાતા ભાગીને પણ જીપ સુધી પહોંચી જવામાં માહેર હતા.

ગુજરાત અને રાજસ્થાનમાં એક કે બે નહિ, પણ એક સામટી ૧૨૫ જેટલી જગ્યાઓએ ઘરેણા અને રોકડ રકમ મળી બે કરોડની માલમત્તા હાથવગી કરી લૂંટને અંજામ આપી ચુકેલી આંતરરાજય ગેંગના શખ્સો પૈકીનો એક શખ્સ ગોપાલ વૈષ્ણવ હાઇવે ઉપર કોઇ હોટલ કે ઢાબા પાસે  જીપ ઉભી રાખી એમાં જ સુઇ જતો હતો, જો કોઇક વાર પોલીસ ટોકે તો પાર્ટીને મુકીને આવુ છુ...નિંદર આવતી હતી, એટલે ઝોકુ ખાવા ઉભો રહયો...એવા બહાના બનાવી લેતો હતો.

જયા-જયા લૂંટ કરી ત્યાથી મોટેભાગે કિંમતી ઘરેણા અને રોકડ રકમ જ લૂંટવાની ટેવ ધરાવતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ થતા જ પોલીસે પણ રાહતનો દમ લીધો છે...રાજસ્થાન અને ગુજરાતમાં કયા-કયા શહેરોમાં ગુન્હો આચર્યો?, લૂંટ સિવાય અન્ય કોઇ ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવણી છે કે કેમ? તે જાણવા પોલીસે પુછતાછ સહિતની તપાસ આગળ ધપાવી છે.

બોલો...કયાં-કયાં લૂંટ કરી એ જગ્યાના નામો પણ યાદ નથી !!

ભીલવાડાઃ અહીના સુભાષનગર ખાતે રાતના અંધારામાં પટ્રોલપંપને લૂંટી વધુ એક ગુન્હાને અંજામ આપે એ પહેલા જ પોલીસે પકડી પાડેલ આંતરરાજય લૂંટારૂ ગેંગના સાગરીતોએ પુછતાછમાં ગુજરાત અને રાજસ્થાનમાં ૧૨૫ જગ્યાએ લૂંટની કબૂલાત કરી હતી.

જેમાં ભીલવાડા ખાતે ૨૩, અજમેરમાં ૪૦, પાલીમાં ૪, બુંદીમાં પ, ટોંકમાં ૬, જયપુરમાં ૭, કોટા અને રાજસમંદ ખાતેથી એક-એક લૂંટનો સમાવેશ થાય છે...નવાઇની વાત એ છે કે, જાણે લૂંટારૂ ગેંગ માટે તો રોજે-રોજ લૂંટ જ કામગીરી બની ગઇ હોય એમ એક પછી એક ૧૨૫ જેટલા સ્થળોએ ગુન્હા આચરી નાંખ્યા હોવાથી માત્ર શહેરોના નામ જ યાદ છે, પણ કઇ-કઇ જગ્યાએ લૂંટ કરી તે સ્પષ્ટ યાદ નથી.

(6:47 pm IST)