Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વડોદરામાં ભજન કાર્યક્રમ બાદ ભોજનમાં ગાજરનો હલવો ખાતા ૩૦ને ફુડ પોઇઝનીંગ

વડોદરાઃ અહીંના માણેજા વિસ્‍તારની વલ્લભ સોસાયટીના રહીશો દ્વારા ધાર્મિક કાર્યક્રમમાં ભોજનમાં ગાજરનો હલવો ખાધા બાદ ૩૦ વ્‍યક્તિને ફુડ પોઇઝનીંગની અસર થતા સારવારમાં ખસેડેલ હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલી વલ્લભ સોસાયટીમાં ગઈ કાલે સ્થાનિકો દ્વારા વરસી નિમિત્તે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભજન પૂર્ણ થયા બાદ સોસાયટીના રહીશો માટે સામુહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મીઠાઈમાં ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. ગાજરના હલવા ના કારણે સોસાયટીના 30 રહીશોને મોડી રાત્રે ઝાડા ઉલટી શરૂ થઈ ગઈ હતી. એક સાથે સમગ્ર સોસાયટીના રહીશોની તબિયત લથડતા 108માં ઉપરા છાપરી અનેક કોલ આવ્યા હતા.

કેટલાકને ખાનગી વાહનો દ્વારા, જ્યારે કેટલાકને એમ્બ્યુલન્સ દ્વારા શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ 14 રહીશોની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે કે અન્ય 16 હાલ સારવાર આપવામાં આવી રહી છે.

(9:17 am IST)