Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અમદાવાદ:અમદાવાદ-વડોદરા હાઇવેના સામરખા નજીક બોલેરો ચાલક 1.32 લાખ લઇ બોલેરો છોડી રફુચક્કર થઇ જતા ચકચાર મચી જવા પામ્યો:ગુનો દાખલ

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા ભાલેજ તરફ જવાના રસ્તા ઉપર સામરખા નજીક બોલરોનો ચાલક શેઠે આપેલા ૧.૩૨ લાખ રૂપિયા લઈને બોલેરો છોડી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી જગદીશભાઈ હીરાલાલ તોરાણી (સિંધી)ની અમદાવાદના કૃષ્ણનગર ચોકડી પાસે હોટલ આવેલી છે. માલસામાનની હેરાફેરી માટે તેમણે બોલેરો કાર ખરીદી હતી. જેના પર ડ્રાયવર તરીકે વટવા ખાતે રહેતો અઝહરૂદ્દીન નશરૂદ્દીન શેખ અને ક્લીનર તરીકે સાહિલખાન નશીમખાનને રાખ્યા છે. હોટલ માટે ઈંડા લેવાના હોય તેમણે ડ્રાયવર અઝહરૂદ્દીનને ૧.૩૨ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને ભાલેજ ઈંડા ભરવા માટે બન્નેને મોકલ્યા હતા.

ડ્રાયવરે સીટીએમ ચોકડી પર આવેલા ટોલનાકાએ ટોલટેક્સ ભર્યા વગર નાકુ તોડીને બોલરો હંકારી મુકી હતી જેથી સામરખા નજીક આવેલા ભાલેજ તરફ જવાના રોડ ઉપર ટોલટેક્સના કર્મચારીઓએ બોલરોને સાઈડમાં કરાવી દઈને નુકશાનની ભરપાઈ કરવાનું જણાવ્યું હતુ. જેથી ક્લીનર નુકશાનની ભરપાઈ કરવા ગયો હતો. એ દરમ્યાન ડ્રાયવર અઝહરૂદ્દીન રોકડા ૧.૩૨ લાખ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. શેઠને જાણ કરીને તેના ઘરે તેમજ અન્ય સ્થળોે તપાસ કરવા છતાં પણ ના મળી આવતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(5:40 pm IST)