Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

૧૬મી જાન્યુઆરીથી કોરોના રસી લગાવાશે : નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલ

ગુજરાતમાં કોરોના સેન્ટરો પર વેક્સિનનેશન : રાજ્યના જુદા જુદા શહેરોમાં આ વેક્સિન એરપોર્ટથી Z સિક્યુરિટીની સાથે સ્ટોરેજ સેન્ટર ઉપર લઈ જવાશે

અમદાવાદ, તા. ૧૨ : કોરોના વેક્સિન કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી અમદાવાદ પહોંચ્યો છે. પુણે એરપોર્ટથી દેશના ૧૩ શહેરોમાં વેક્સિનનાં ૪૭૮ બોક્સ પહોંચાડવામાં આવશે. જુદા જુદા શહેરોમાં વેક્સિન એરપોર્ટથી જેડ સિક્યુરિટી સાથે સ્ટોરેજ સેન્ટર પર લઈ જવાશે. ત્યારે કોરોના રસી અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી ચૂકી છે. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલી ઝંડી બતાવીને કોરોના રસીને આગળ વધારી હતી.

અમદાવાદમાં કોરોનાની રસી આવતા નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલ ખુશખુશાલ મુદ્રામાં દેખાઇ રહ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આખો દેશ જેની રાહ જોઇ રહ્યો છે તેવી કોરોનાની રસી પીએમ મોદી દ્વારા ગુજરાતમાં મોટા જથ્થામાં પ્રથમ તબક્કામાં મોકલવામાં આવી છે. લગભગ ત્રણ કરોડ આરોગ્ય કર્મીઓને અને સલામતી સાથે સંકળાયેલ લશ્કર બીએસએફ, એસઆપી, પોલીસ તંત્ર હોમગાર્ડ બધા ને આપવા માટેનો પ્રથમ તબક્કાનો રાઉન્ડ આગામી ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરૂ થઇ રહ્યો છે. જેના માટે ભારત સરકારે રસીનો જથ્થો પુરો પાડવાની આજથી શરૂઆત કરી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારને ભારત સરકારે હાલ પુણેથી બે લાખ ૭૬ હજારનો રસીનો પ્રથમ તબક્કાનો જથ્થો વિમાન દ્વારા મોકલી આપવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જથ્થો આવ્યો છે ત્યારે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડૉ. જયંતી રવિ, અગ્રસચિવ રાજ્યમાં રસીના કાર્યક્રમના નોડલ ઓફિસર મુકેશભાઇ પંડ્યા તથા આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સહિત વેક્સીન અમે સ્વીકારી છે. રસીને ગ્રીન કોરિડોર બનાવી ગાંધીનગર લઇ જવાશે. તે સમયે એરપોર્ટથી માંડીને ગાંધીનગર સુધી સમગ્ર રૂ પર રાઉન્ડ કલોક સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પુણેથી નવ કલાકની આસપાસ રસીનો જથ્થો અમદાવાદ આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નીકળી ગઇ છે. આજે લાખ ૭૬ હજાર રસીનો ડોઝ અમદાવાદ પહોંચ્યો છે. રસીનો પ્રથમ ડોઝ ગાંધીનગર ઝોન, અમદાવાદ ઝોન અને ભાવનગર ઝોનને મોકલવામાં આવી છે.

ત્યારે પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર રસી માટેના રેફ્રિજરેટરના ટ્રક પહોંચી ગયા છે. આજે કોરોનાની રસીના પ્રથમ જથ્થાનું સ્વાગત કંકુ, ચોખા અને શ્રીફળ સાથે વધાવીને કરવામાં આવ્યું હતુ.

(8:03 pm IST)