Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ધારાશાસ્રીઓના વેલફેર માટે રાજય સરકાર પ્રતિબધ્ધ: મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે રાજ્યના ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડ અર્થે રૂ. ૫ કરોડની રકમનો ચેક એનાયત

અમદાવાદ : કાયદા રાજય મંત્રી પ્રદિપસિહ જાડેજા એ જણાવ્યુ કે, રાજય સરકાર ધારાશાસ્ત્રીઓની હમેશા પડખે રહી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રજુઆત ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ધારાશાસ્ત્રીઓના વેલફેર અર્થે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને ફંડ આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે ગુજરાતના ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડ અર્થે રૂ. ૫ કરોડની માતબર રકમનો ચેક ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તથા એક્ઝીક્યુટીવ કમીટીના સભ્યોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત કરાયો હતો

  મંત્રી  જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ધારાશાસ્ત્રીઓના પરિવારજનોને સમયસર મૃત્યુ સહાય અને માંદગી સહાય મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના દુરંદર્શી નેતૃત્વ હેઠળ કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નાણાંકીય વર્ષ સને ૨૦૨૦-૨૦૨૧ના અંદાજપત્રમાં  ગુજરાત રાજ્યના ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડ અર્થે રૂ. ૫ કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને કારણે રાજય સરકારની કરકસરની નીતી હોવા છતાં, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા ધારાશાસ્ત્રીઓ પ્રત્યેના ઉદાર વલણને કારણે ગુજરાતના ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડ અર્થે રૂ. ૫ કરોડની માતબર રકમનો ચેક આપવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યુ કે, બાર કાઉન્સિલ દ્વારા ધારાશાસ્ત્રીઓના વેલફેરના ફંડ માંથી મૃત્યુ પામતા ધારાશાસ્ત્રીના પરિવારજનોને મૃત્યુસહાય આપવામાં આવે છે. તેમજ ગંભીર પ્રકારની બીમારીમાં ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય આપવામાં આવે છે. તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ધારાશાસ્ત્રીઓને વેલફેર ફંડ માથી મૃત્યુ સહાય તેમજ માંદગી સહાયની રકમો ચુકવવામાં સહાયરૂપ થવા માટે રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને આ ચેક એનાયત કરાયો છે.રાજ્ય સરકાર દ્વારા ધારાશાસ્ત્રીઓની રૂ. ૫ કરોડની સહાય આપવાથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જે ધારાશાસ્ત્રીઓના પરિવારજનોને મૃત્યુ સહાય તેમજ માંદગી સહાયની ચુકવવાની બાકી છે તેઓને સત્વરે સહાય ચૂકવી શકાશે તેમ તેમણે ઉમેર્યુ છે.

(12:44 am IST)