Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ચાઇનીઝ ગુબ્બારાને ટક્કર મારે તેવા દેશી ગુબ્બારાઃ વડોદરાના બે મિત્રોએ બનાવ્યા દેશી ગુબ્બારા

ઝુબેર મોટરવાલાએ મેક ઇન ઇન્ડિયાના કોન્સ્પેપ્ટ આધારે દેશી ગુબ્બારા બનાવવાનું શરૂ કર્યું

વડોદરાઃ ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ ગુબ્બારા ઉડાવવા પર પ્રતિબંધ છે. ત્યારે આ વખતે વડોદરાનું આકાશ ચાઇનીઝ ગુબ્બારાને ટક્કર મારે તેવા ગુબ્બારાથી છવાઇ જશે. વડોદરા શહેરના બે મિત્રોએ ચાઇનીઝ ગુબ્બારાને ટક્કર મારે તેવા દેશી ગુબ્બારા બજારમાં મુક્યા છે.

વડોદરામાં રહેતા ઝુબેર મોટરવાલાએ જણાવ્યું હતું કે, અમે પહેલા ચાઇનીઝ ગુબ્બારા લાવીને વેચતા હતા. ચાઇનીઝ ગુબ્બારામાં કેમિકલયુક્ત મીણ રહેતુ હતુ. જેના કારણે આગના બનાવો બનતા હતા. પાંચ વર્ષ પહેલા ચાઇનીઝ ગુબ્બારા ઉપર પ્રતિબંધ મુકતા મારા મિત્ર હુસેન સાથે મળીને અમે મેક ઇન ઇન્ડિયાના કોન્સ્પેપ્ટ આધારે દેશી ગુબ્બારા બનાવવાનું શરૂ કર્યું છે.

ઝુબેર મોટરવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે ઉત્તરાયણ માટે આખુ વર્ષ પતંગના વેપારીઓ પતંગો તૈયાર કરે છે. તે રીતે અમે દિવાળી બાદ દેશી ગુબ્બારા બનાવવાનું શરૂ કરીએ છે. દેશી ગુબ્બારામાં, ગુબ્બારાની વચ્ચે લગાવવામાં આવતું મીણ આકાશમાં ઓગળી જાય છે. ત્યારબાદ ગુબ્બારો નીચે પડ્યા પછી પણ આગની ઘટના બનતી નથી. જ્યારે ચાઇનીઝ ગુબ્બારામાં ચાઇનીઝ મીણનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે મીણ કેમિકલયુક્ત રહેતું હતું. જે ગુબ્બારો નીચે પડ્યા પછી પણ જોખમી પુરવાર થતો હતો.

તેણે વધુમાં ઉમેર્યું કે, ચાઇનીઝ ગુબ્બારાને ટક્કર મારે તેવા અમારા ગુબ્બારાની ડિમાન્ડ વર્ષો વર્ષ વધી રહી છે. ગત વર્ષે અમે 30 હજાર જેટલા ગુબ્બારા બનાવ્યા હતા. આ વર્ષે 50 હજાર જેટલા ગુબ્બારા બનાવ્યા છે. અમારા ગુબ્બારા ગુજરાતના વિવિધ શહેરોમાં વેચાય છે. અમોએ શોશ્યલ મીડિયા દ્વારા ગુબ્બારાનો વેપાર શરૂ કર્યો હતો. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. એક નજીવા આઇડિયાએ અમને નવો વ્યવસાય મળી ગયો છે.

આવનારા વર્ષોમાં અમોએ અમારા ગુબ્બારાનું નામ ગુબ્બારા જંક્શન આપ્યું છે. અમે અમારા ગુબ્બારાની બ્રાન્ડ બનાવી દઇશું. જે બ્રાન્ડના આધારે અમારા ગુબ્બારા વેચાણમાં મુકી રહ્યા છીએ. અમને આશા છે કે, ઉત્તરાયણમાં ઉડતા ગુબ્બારામાં અમારી બ્રાન્ડના ગુબ્બારાનું આગવુ આકર્ષણ રહેશે. તેમ ઝુબેર મોટરવાલા અને હુસેને વધુમાં ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ દિવસ મકર સંક્રાતિનો પર્વ ઉજવાય છે. આ બંને દિવસોમાં દિવસે રંગબેરંગી પતંગોથી આકાશ છવાયેલું રહે છે. જ્યારે સૂર્ય ઢળતાની સાથે જ આકાશ ગુબ્બારાથી છવાઇ જાય છે. પંતગ રસિયાઓ દિવસે પતંગો ઉડાવીને અને સાંજે ગુબ્બારા ઉડાવીને મકર સંક્રાતી મનાવે છે.

(10:46 am IST)