Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અમદાવાદ : ૧૦૦ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાશે

શહેરમાં પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો કરાશે : વહીવટી તંત્ર દ્વારા આગામી બે મહિનામાં શહેરના અનેક વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા માટે આયોજન

અમદાવાદ, તા.૧૩ : દેશનાં અન્ય શહેરોની જેમ અમદાવાદમાં જાહેર પરિવહન સેવા ખાસ અસરકારક ન હોઇ વધુ ને વધુ નાગરિકો પોતાની બચત કે બેન્કમાંથી લોન લઇ અંગત ટુ-વ્હીલર વગેરે વાહનો વસાવી રહ્યા છે. એક અંદાજ મુજબ શહેરના રસ્તા પર દરરોજનાં ૮૦૦ નવા વાહનો ઉમેરાઇ રહ્યાં છે, પરંતુ સરકાર અને તંત્રના પ્રયાસો અને જાગૃતિના કારણે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલ કે સીએનજી આધારિત વાહનોની સાથે ઈલેકટ્રીક વાહનનો ક્રેઝ પણ ધીરે ધીરે વધી રહ્યો છે. ઇલેકટ્રીક વાહનચાલકોની સંખ્યા પ્રતિદિન વધતી જ જાય છે, પરંતુ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ સીએનજી કે ડીઝલ બસના બદલે ઈલેકટ્રીક બસ પર વધુ ભાર મૂકી રહ્યા છે. આગામી માર્ચ-ર૦ર૦ સુધીમાં બીઆરટીએસની ૬૦૦ ઈલેકટ્રીક બસ કોરિડોરમાં દોડતી થાય તેવી શક્યતા છે. આને જોતાં તંત્ર દ્વારા રેવન્યુ શેરીંગ બેઝ પર શહેરમાં પ્રાથમિક તબક્કે પાંચ પબ્લીક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આગામી બેથી ત્રણ મહિનામાં શહેરમાં આ રીતે ૧૦૦ જેટલા પબ્લીક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું આયોજન છે.

            કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલયના ઇઇએસએલ એટલે કે એનર્જી એફિશીયન્સી સર્વિસીઝ લિ. કંપની સાથે પબ્લિક ર્ચાજિંગ સ્ટેશન ઊભાં કરવાના એમઓયુ કરાયા છે. આ એમઓયુ અંતર્ગત મધ્ય ઝોનમાં પ્રેમ દરવાજા પાસેના પે એન્ડ પાર્કની જગ્યા, રૂપાલી સિનેમા પાસે નહેરુબ્રિજ નજીકની પે એન્ડ પાર્કની જગ્યા એમ કુલ બે જગ્યાએ જ્યારે દક્ષિણ ઝોનમાં કાંકરિયા પાર્કિંગ કોમ્પ્લેક્સ કેમ્પસ, કાંકરિયા કિડ્સ સિટી અને નવરંગપુરા ર્પાકિંગ કોમ્પ્લેક્સ કેમ્પસ એમ ત્રણ મળીને કુલ પાંચ જગ્યાએ પબ્લીક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરાશે. આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનોને ચાર્જ કરવા માટે જે પાવર વપરાશે તેના યુનિટ દીઠ ૭૦ પૈસા મ્યુનિસિપલ કોર્પોરેશનને રેવન્યુ શેરિંગ તરીકે ઇઇએસએલ કંપની આપશે, જ્યારે નાગરિકો પાસેથી યુનિટ દીઠ રૂ.૭ કે ૮નો ચાર્જ લેવાશે. આગામી બે થી ત્રણ મહિનામાં આ તમામ પબ્લીક ચાર્જિંગ સ્ટેશન ધમધમતાં થઇ જશે અને આ કંપની સાથે તંત્ર રેવન્યૂ શેરિંગ બેઝ પર વધુ ૧૦૦ પબ્લીક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરાશે. આ તમામ ચાર્જિંગ  સ્ટેશનનંંુ ઇન્સ્ટોલેશન, ઓપરેશન અને મેન્ટેનન્સ ઇઇએસએલ કંપની કરશે.

            શહેરમાં ટ્રાફિકના વધતા જતા ભારણને જોતાં વાહનથી થતા વાયુ પ્રદૂષણમાં ઘટાડો થઇ શકે તેવા આશયથી શહેરીજનોને જાહેર સ્થળોએ ઈલેકટ્રીક વાહનો માટે ચાર્જિંગની સુવિધા અપાવવાના હેતુસર મ્યુનિસિપલ સત્તાધીશો પબ્લીક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરી રહ્યા છે. જો કે, આ ચાર્જિંગ  સ્ટેશનમાં 'જેટ'ની અત્યારે દોડતી પ૦ ઈલેકટ્રીક રીક્ષા તેમજ નવી આવનારી બે ઈલેકટ્રીક  રિક્ષા મળીને કુલ પર ઈલેકટ્રીક રીક્ષા, ઉચ્ચ અધિકારીઓ માટેની નવી આવનારી દસ ઈલેકટ્રીક કાર તેમજ બીઆરટીએસની નવી ઈલેકટ્રીક બસનું ચાર્જિંગ પણ થઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમ્યુકો દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના બજેટમાં સત્તાવાળાઓએ નાગરિકો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેેના આજીવન ટેક્સમાં પ૦ ટકા છૂટ જાહેર કરાઇ છે. હવે શહેરમાં ૧૦૦થી વધુ પબ્લીક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરીને તંત્ર શહેરને વાયુ પ્રદૂષણ મુક્ત અમદાવાદ બનાવવા દિશામાં આગેકૂચ કરશે.

(8:38 pm IST)
  • દિલ્હીમાં રાત આખી ધોધમાર વરસાદ :આમ છતાં આનંદ, વિહાર, પંજાબી બાગ, લોધી રોડ અને ઇન્ડિયા ગેટ સર્કલ આસપાસ હવાની ગુણવતા અત્યંત ખરાબઃ ભારે વરસાદ છતાં એર પોલ્યુશનમાં મોટો ઘટાડો નથી થયોઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ access_time 11:36 am IST

  • સુપ્રીમકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે ગુજરાતના દુષ્યંત દવે ચૂંટાઈ આવ્યા છે access_time 9:56 pm IST

  • કોંગ્રેસ દ્વારા કાલે ભારત બચાવો રેલી : લાખો કોંગી કાર્યકતાઓ દિલ્હીમાં આ રેલીમાં જોડાશે તેવા કોંગી નેતાઓનો દાવોઃ ગુજરાતથી હજારો કાર્યકર્તાઓ પાટનગર પહોંચી ગયા access_time 11:33 am IST