Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મહિલાને કચડનાર ડમ્પર બીજા વાહનની પરમીટ પર ફરતું હતું

પાંજરાપોળ પાસેના અકસ્માત સંદર્ભે ખુલાસો : લકઝરી બસ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની ચોતરફથી માંગ : શહેરમાં દોડતા ભારે વાહનને લઇને લોકોમાં રોષ

અમદાવાદ, તા. ૧૩ : શહેરના પાંજરાપોળ ચાર રસ્તા નજીક મંગળવારે ડમ્પર ચાલકે એકટીવાસવાર દંપતીને ટક્કર મારતા મહિલાનું મોત નીપજાવ્યું હતું. આ ચકચારભર્યા અકસ્માત કેસની પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, મહિલાને કચડનાર ડમ્પર વાસ્તવમાં બીજા વાહનની પરમીટ પર ફરતું હતું. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડમ્પરની પરમીટ અંગેની તપાસ કરતા શિવશક્તિ ટ્રાન્સપોર્ટના ડમ્પરને શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશ અંગેનું પરમીટ ટ્રાફિક પોલીસ પાસેથી લેવાઇ જ ન હતી. એટલું જ નહી, અન્ય ડમ્પરની પરમીટ સાથે રાખી અકસ્માત સર્જનાર ડમ્પરને શહેરમાં ફેરવવામાં આવતું હતું. ટ્રાફિક પોલીસે આવા ભારે વાહનોની પરમીટ અંગે તપાસ જ નહી કરી ગંભીર બેદરકારી પણ દાખવી હોવાનું સામે આવતાં હવે શહેરમાં માંતેલા સાંઢની જેમ દોડતા ટ્રક, ડમ્પર, લકઝરી બસ સહિતના ભારે વાહનોને લઇ નગરજનોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

           જાગૃત નાગરિકો દ્વારા હવે શહેરના માર્ગો પર આડેધડ પાર્કિંગ કરાતી અને ફુલસ્પીડમાં બસ હંકારાતી લકઝરી બસો પર કયારે ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા તવાઇ બોલાવાશે એવા ગંભીર સવાલો ઉઠાવાઇ રહ્યા છે. લકઝરી બસોના ચાલકો દારૂ પીધેલી હાલતમાં હોવાના અને લકઝરી બસની આડમાં દારૂ-જુગારની ગુનાહિત પ્રવૃત્તિના અનેક કિસ્સાઓ અગાઉ પણ શહેરમાં સામે આવ્યા હોઇ હવે લકઝરી બસો સામે પણ આકરી કાર્યવાહી કરવા ચોતરફથી ઉગ્ર માંગણી ઉઠી રહી છે. ટ્રાફિક પોલીસે ધરપકડ કરાયેલા આરોપી ડ્રાઇવર રામબારાઇ ચૌહાણની ધરપકડ બાદ કરેલી તપાસમાં થયેલા ચોંકાવનારા ઘટ્સ્ફોટ બાદ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ સામે છેતરપિંડી અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાંજરાપોળ પાસે બીઆરટીએસની ટક્કરે બે સગાભાઇઓના મોત બાદ એ જ વિસ્તારમાં નિર્દોષ મહિલાનું કરૂણ મોતની અકસ્માતની ઘટનાઓ બાદ હવે શહેર ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક ગંભીર સવાલ ઉઠી રહ્યાં છે કે, અકસ્માત સર્જનાર ડમ્પર અન્ય ડમ્પરના પરમીટ પર શહેરમાં ફરી રહ્યું હતું તો ટ્રાફિક પોલીસે ક્યારેય ડમ્પરની પરમીટની તપાસ કેમ ના કરી? ટ્રાફિક પોલીસ  દ્વારા ડમ્પર, ટ્રકો, લકઝરી બસ સહિતના ભારે વાહનોના કિસ્સામાં પરમીટ, લાઇસન્સ, પાર્કિંગ સહિતના નિયમોની અમલવારી કરાતી જ નહી હોવાની વાતનો ખુલાસો થતાં હવે શહેરીજનોમાં ભારોભાર આક્રોશ સામે આવી રહ્યો છે.

           કારણ કે, શહેરના માર્ગો પર ટ્રકો, ડમ્પરો અને લકઝરી બસો સહિતના ભારે વાહનો માંતેલા સાંઢની જેમ ફુલસ્પીડમાં દોડતા હોય છે અને વળાંકના રસ્તાઓ પર ફુલસ્પીડમાં ટર્નીંગ લેતા હોય છે. વળી, લકઝરી બસના ડ્રાઇવરો મોટાભાગે દારૂ પીધેલી હાલતમાં હોવાના કારણે ગંભીર અકસ્માતો સર્જાવાની દહેશત પણ સતત બની રહેતી હોય છે ત્યારે પરમીટભંગના ડમ્પરના ઉપરોકત કિસ્સા બાદ હવે શહેરમાં લકઝરીબસ, તેના ચાલકો અને ટ્રાવેલ્સ કંપનીઓ વિરૂધ્ધ શહેર ટ્રાફિક પોલીસ કયારે તવાઇ શરૂ કરે છે અને શું આકરી કાર્યવાહી કરે છે તેન ેલઇ હવે જાગૃત નાગરિકોએ સવાલો ઉઠાવ્યા છે. જાગૃત નાગરિકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને જાહેરમાર્ગો પર ટ્રાફિકમાં અડચણરૂપ અને અંતરાયરૂપ ગેરકાયદે રીતે પાર્કિંગ કરાતી લકઝરી બસો તાત્કાલિક ધોરણે ડિટેઇન કરી તેઓની વિરૂધ્ધ તેમની પરમીટ રદ કરવા સુધીના આકરાં પગલાં લેવા પણ ઉગ્ર માંગણી કરી છે. ગેરકાયદે પાર્ક થતી લકઝરી બસોની ટ્રાવેલ્સ કંપનીના સંચાલકો વિરૂધ્ધ જો આકરી કાર્યવાહી થાય તો સમાજમાં શિક્ષાત્મક દાખલો બેસે એમ પણ કેટલાક જાગૃત નાગરિકોએ ઉમેર્યું હતું.

(8:36 pm IST)