Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અમદાવાદ ડીપીએસ સ્‍કૂલમાં આચરવામાં આવેલા કૌભાંડમાં મહત્‍વપૂર્ણ પત્ર મળતા દેકારો

અમદાવાદ :DPS સ્કૂલ વિવાદ મામલામાં સૌથી મોટો ખુલાસો થયો છે. જે પરવાનગીનો સહારો લઈને ડીપીએસ સ્કૂલે કૌભાંડ આચર્યું હતું, તે DPEO દ્વારા વર્ગ 1 થી 8ની આપવામાં આવેલી પરવાનગીનો પત્ર સામે આવ્યો છે. 21 માર્ચ 2012ના રોજ શાળાને DPEO દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. તત્કાલીન DPEO એમ.એમ.જાની દ્વારા DPS સ્કૂલને પરમિશન અપાઈ હતી. આજ પરવાનગીના સહારે DPS સ્કૂલે કૌભાંડ આચર્યું હતું. DPS સ્કૂલ દ્વારા DPEOની પરવાનગી લઈ CBSE બોર્ડમાં ખોટા દસ્તાવેજ રજૂ કરાયા હતા.

આ પત્રથી ખુલાસો થયો છે કે, DPS સ્કૂલ પાસે મકાનનું બીયુ પરમિશન ના હોવા છતાં તત્કાલીન DPEO એમ.એમ.જાનીએ પરવાનગી આપી હતી. એમ.એમ.જાની લગભગ બે વર્ષ પહેલાં સેવા નિવૃત્ત થયા છે. ત્યારે હવે આ પત્ર સામે આવવાથી અન્ય ખુલાસા પણ થઈ શકે છે. CBSE બોર્ડની પરવાનગી માટે ખોટું સર્ટિફિકેટ બનાવી તેના પર સહી કરનાર અનિતા દુઆ સામે શિક્ષણ વિભાગે FIR કરી છે. ત્યારે બીયુ પરમિશન વગર તત્કાલીન DPEO એ કેમ DPS ને પરવાનગી આપી હતી તે મોટો સવાલ છે. શુ તત્કાલીન DPEO એમ.એમ.જાની પર DPS સ્કૂલને પરવાનગી આપવાનું કોઈ દબાણ હતું. DPS સ્કૂલ દ્વારા અગાઉ માગવામાં આવેલી પરવાનગી વર્ષ 2008માં રદ્દ થઈ હોવા છતાં કેમ 2012માં પરવાનગી અપાઈ. ત્યારે અનેક સવાલો જવાબ ઝંખી રહ્યાં છે.

2008માં DPEO, શિક્ષણ નિયામક અને હાઇકોર્ટ દ્વારા શાળાને પરમિશન અપાઈ ન હતી. ત્યારે એવું શું થયું કે DPS ને વર્ષ 2012માં તત્કાલીન DPEO એમ.એમ.જાનીએ સ્કૂલને પરમિશન આપી દીધી હતી. જો ખોટા દસ્તાવેજ બનાવનાર દોષી કહેવાયો તો ખોટી પરવાનગી આપનાર સામે કેમ શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શિક્ષણ વિભાગે વર્ષ 2012માં પરવાનગી આપવાને બદલે 2008થી પરવાનગી વગર ચાલતી સ્કૂલ સામે કોના દબાણથી પગલાં લેવાને બદલે પરવાનગી આપવાનો માર્ગ ખોલી આપ્યો હતો. વર્ષ 2012માં CBSE બોર્ડની પરવાનગી માટે DPS સ્કૂલે બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા. DPS સ્કૂલને CBSE બોર્ડની પરવાનગી મળે શું તેના માટે DPEO દ્વારા પરવાનગી અપાઈ હતી. DPS સ્કૂલને પરવાનગી આપવા માટે કોઈ ઉચ્ચ અધિકારી કે નેતાનું તત્કાલીન DPEO એમ.એમ. જાની ઉપર કોઈ દબાણ હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS ખોટી NOC મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે DPSના ceo મંજુલા પૂજા શ્રોફને ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે અને આજે આગોતરા જામીન અરજી મામલે હાઇકોર્ટે સરકારને નોટિસ ઈશ્યુ કરી છે. Dps સ્કૂલના ceo મજુલા શ્રોફે આગોતરા જામીન મેળવા માટે હાઇકોર્ટમાં કરેલી અરજી પર આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે આજે સરકારને નોટિસ ઈશ્યુ કરી છે અને જવાબ 7 જાન્યુઆરી સુધી જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

(5:23 pm IST)