Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સુરત પંથકમાં કારના કાચ તોડી લૂંટ આચરતા એક સાથીદારની ધરપકડ

સુરતશહેરના જુદા-જુદા વિસ્તારમાં હાઇટેક ગિલોલની મદદથી કારના કાચ તોડી અથવા તો કયાંક ઓઇલ કે મેલુ નાંખી ચાલકની નજર ચુકવી રોકડ અને કિંમતી વસ્તુઓની તફડંચી કરતી ટોળકીના વધુ એક સાથીદારને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે પખવાડિયા અગાઉ હાઇટેક એટલે કે બ્લડ પ્રેશર માપવા માટે ઉપયોગમાં લેવાતી રબરની ટયુબ અને બેગ-જાકીટમાં વપરાતી ઝીપ વડે બનાવેલા ગિલોલની મદદથી કારના કાચ તોડી અથવા તો કાર પર ઓઇલ કે મેલુ નાંખી ચાલકને બેધ્યાન કરી ચોરી કરતી ટોળકીના બજરંગ ઉર્ફે રમેશ જાધવ, તેના પુત્ર રોહિત જાધવ, ક્રિષ્ણા જાધવ, મહાવીર જાધવ, સંજય જાધવ અને અજય ઉર્ફે પ્રકાશ જાધવ ઉપરાંત બે સગીર સહિત 9જણાને ઝડપી પાડી શહેરના ખટોદરા, ઉમરા, સલાબતપુરા, કતારગામ, અડાજણ, ઉધના વિસ્તારના 17 અને નવસારી ટાઉનના 1 મળી કુલ 18 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. આ ગેંગનો એક સાથીદાર રાહુલ ઉર્ફે મનોજ બજરંગ ઉર્ફે રમેશ જાધવ (રહે. કલવા ઝુંપડપટ્ટી, શ્રીકાલીમાતા મંદિર પાસે, ઉમરગામ અને મૂળ રેનુગુન્ટા, જિ. તીરૃપતિ બાલાજી, આંધ્રપ્રદેશ) ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલો રાહુલ ગિલોલ વડે કારના કાચ તોડી તફડંચી કરતી ટોળકીના માસ્ટર માઇન્ડ બજરંગ જાધવનો પુત્ર છે. ઉલ્લેખનીય છે કે કારનો કાચ તોડવા કે કાર પર ઓઇલ કે મેલુ નાંખવા માટે બાળકોની મદદ લેતા હતા. જેથી જો કોઇક વખત તેમના બદઇરાદાની જાણ કાર ચાલકને જઇ જાય તો માસુમ બાળક સમજી છોડી દેતા હતા.   

(5:21 pm IST)