Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો: ભરશિયાળે ચોમાસા

મહેસાણા : વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો હતો. આકાશે ઘેરાયેલા વાદળોને કારણે ભેજવાળુ વાતાવરણ સર્જાયું હતું. પવન સાથે તાપમાનનો પારો ગગડતાં લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. જ્યારે બપોર બાદ એકાએક મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ઠેકઠેકાણે હળવાથી ભારે વરસાદના ઝાપટા પડયા હતા. ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા. રવિ પાકમાં બગાડ થાય તે માટે ખેડૂતોએ પ્રયાસો આદર્યા  હતા. જોકે કમોસમી વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં રવી પાકને વ્યાપક નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઘઉં, રાયડો કપાસ, એરંડા, જીરૃ અને વરીયાળી જેવા રવી પાકોમાં મોટાપાયે બગાડ થવાની સંભાવના વર્તાય છે. જ્યારે બહુચરાજી તાલુકાના સાંપાવાડા, ચંદ્રોડા, સુરજ અને સુરપુરા સહિતના ગામોમાં મોટા મોટા કરા સાથે વરસાદ પડયો હતો. મહેસાણા, ખેરાલુ, સતલાસણા, બેચરાજી, ચાણસ્મા, વિજાપુર, વિસનગર સહિત જિલ્લાભરમાં સવારથી વાદળો ઘેરાયા હતા અને અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડયા હતા અને ચાણસ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા વીજળી ડૂલ થઈ ગઈ હતી. જ્યારે કટેલાક વૃક્ષ પણ ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.શિયાળાની ઋતુ હવે જામી રહી છે અને ધીરે ધીરે તાપમાનનો પારો પણ ગગડતો હોવાથી ફુલગુલાબી ઠંડીમાંથી ઠંડી હવે કડકડતી ઠંડીનું સ્વરૃપ ધારણ કરી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેને લઈ બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠા પડતા ખેડૂતઆલમ ચિંતિત બન્યો છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેમજ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છુટાછવાયા વરસાદી ઝાપટાની આગાહીને લઈ કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠા પડયા હતા

(5:17 pm IST)