Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

છેલ્લી મુદ્દત : સરકારી વકીલ હાજર નહિં રહે તો સ્ટે હટી જશે : સુપ્રિમ કોર્ટ

ફિકસ વેતન મુદ્દે સુપ્રિમમાં વર્ષોથી ચાલી રહેલ ન્યાયિક પ્રક્રિયા

ગાંધીનગર :  ફિકસ વેતન મુદ્દે સુપ્રીમમાં વર્ષોથી ચાલતી ન્યાયિક પ્રક્રિયામાં કેટલાક સમયથી ગુજરાત સરકારના વકીલ હાજર રહેતા નથી. મંગળવારે પણ આવા જ ઘટનાક્રમ સામે કોર્ટે સખત નારાજગી વ્યકત કરી છે. વારંવાર આવા વલણ સામે કર્મચારીપક્ષના વકીલે ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાના અમલ પરનો સ્ટે હટાવવાની માંગણી કરતા સુપ્રિમે સરકારના વકીલને જાન્યુઆરીના બીજા સપ્તાહની મુદ્દતમાં હાજર રહેવા છેલ્લી તક આપી છે.

ટીમ ફિકસ પે તરફથી જણાવ્યુ હતુ કે, દરવખતની જેમ અન્ય કોર્ટમાં ચાલી રહેલી સુનવણીનું કારણ આગળ ધરીને સરકાર પક્ષના વકીલે આ કેસમાં મુદ્દત પાડવા માંગણી કરી હતી. જેની સામે એનજીઓ, કર્મચારીઓ તરફથી પ્રશાંત ભૂષણ સહિતના તમામ વકીલોએ સખત વિરોધ કર્યો હતો.

એટલુ જ નહી, મુદ્દત આપવી જ હોય તો આ કેસમાં જે સ્ટે આપેલો છે તે આવતી મુદ્દત સુધી હટાવી દેવા રજૂઆત કરવામાં આવી હતી. જો કે, સરકાર પક્ષેથી છેલ્લી તક આપવા અરજ ગુજરાવામાં આવતા કર્મચારીઓના વકીલોએ સખત વિરોધ કર્યો હતો.

આથી, કોટે પણ તેને ગંભીરતાથી લેતા આગામી મુદતમાં કેસ ચલાવવાની સૂચના આપી સરકારપક્ષને છેલ્લી તક આપી હતી. હવે પછીની મુદ્દતો સરકારી વકીલ હાજર નહી રહે તો સ્ટે દૂર થઈ શકે તેમ છે.

(3:42 pm IST)