Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગુણવતાની બાબતમાં બનાસ ડેરીનો ડંકોઃ ફુડ સેફટી એવોર્ડ સ્વીકારતા શંકર ચૌધરી

રાજકોટ, તા. ૧૩ : ભારતનું ગૌરવ અને એશિયામાં શ્રેષ્ઠ ગણાતી પાલનપુરની બનાસ ડેરીએ પોતાની શ્રેષ્ઠતા અકબંધ રાખી છે. બનાસ ડેરીએ પાછલા ચાર વર્ષમાં ગુણવત્તયુકત દૂધ ઉત્પાદનને કારણે સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

ગઇકાલે દિલ્હી ખાતે ભારત સરકારની ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા  અને ભારતીય ઉદ્યોગ પરિસંઘના સંયુકત ઉપક્રમે ફૂડ સેફટી, ગુણવત્તા અને નિયમનકારીની સમિટ યોજાઇ હતી. આ સમિટમાં દેશની ૧૮૦૦ જેટલી ઉદ્યોગ જગતની સંસ્થાઓમાં જે ખાદ્ય ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી હોય તેમાં ફૂડ સેફટી અને ગુણવત્તા જેવી બાબતોની ભારત સરકારની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા વર્ષ દરમિયાન ચકાસણી કરવામાં આવી હોય છે. આ સમિટમાં તે ધારા ધોરણોને પરિપૂર્ણ કરતી હોય તે સંસ્થાની પસંદગી કરવામાં આવતી હોય છે.

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને ભારતીય ઉદ્યોગ પરિસંઘ ના ધારા ધારણો મુજબની કામગીરીને કારણે સમગ્ર દેશમાંથી ડેરી ઉદ્યોગમાં ઉચ્ચ ગુણવત્તા માટે જાણીતી બનાસ ડેરીની ફૂડ સેફટી માટે પસંદગી કરવામાં આવતા ભારત સરકારના ફૂડ સેફટી અને ઓથોરીટીના સીઇઓ શ્રી પવનકુમાર અગ્રવાલના હસ્તે બનાસ ડેરીને એવોર્ડ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરીએ (મો. ૯૮રપ૩ ૧૩૧૯૯) જણાવ્યું હતું કે આ એવોર્ડ જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની અથાગ મહેનત અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીનું પરિણામ છે અને આવનાર સમયમાં પણ દેશ અને દુનિયાને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા દૂધ ઉત્પાદનો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે.

(1:12 pm IST)