Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

અમદાવાદમાં ઘાતક શસ્ત્રો સામેની ઝુંબેશમાં ૭માં દિવસે પણ ૭મી સાતમી સફળતા મળી

પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા-સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં ડો.હર્ષદ પટેલની એસઓજી ટીમની મહેનત રંગ લાવી : નબી અહેમદ શસ્ત્રોની હેરફેરનો જુનો ખેલાડીઃ ર૦૧૬માં જામનગરની જેલમાં પાસાના પીંજરે પુરાયો હતો

રાજકોટ, તા., ૧૩ : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે કડક કાયદા હોવા છતા કરોડો રૂપીયાનો દારૂ ઘુસવા સાથે ચરસ, ગાંજા અને અન્ય કેફી પદાર્થો ઘુસાડવાની માત્રામાં વધારો થવા સાથે હવે ગેરકાયદે તમંચાઓ અને દેશી બનાવટની પિસ્તોલો ઘુસાડવાના વધતા જતા બનાવોથી રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા ચોંકી ઉઠયા હતા.

સીઆઇડી ક્રાઇમનો બહોળો અનુભવ ધરાવવા સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના કાર્યકાળ દરમિયાન ઘાતક શસ્ત્રો  અને બોંબ ધડાકાના કાવત્રાનો પર્દાફાશ કરનાર અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને બીએસએફમાં ફરજ બજાવી હથીયારો અને કેફી પદાર્થોના નેટવર્ક અંગેની જાણકારી અનુભવ આધારે અમદાવાદમાં ગેરકાયદે શસ્ત્રો સામે એસઓજી ક્રાઇમના ડીસીપી ડો.હર્ષદ પટેલ ટીમ મારફતે ચલાવાતી ઝુંબેશને વધુ એક સફળતા ૭મા દિવસે પણ મળી છે. દેશી બનાવટના  ૩ તમંચા, દેશી બનાવટની પિસ્તોલ તથા ૧ ડઝન કારતુસ સહીત ૯૧ હજારથી વધુ મુદામાલ સાથે નબી અહેમદ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

એસઓજી ક્રાઇમના એસીપી તથા ટીમ પીએસઆઇ પી.કે.ભુત તથા પીએસઆઇ ડી.આઇ.સોલંકી, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રભાઇ  તથા ગીરીશભાઇ વિગેરેએ ચોક્કસ બાતમીના આધારે ઉકત કુવિખ્યાત શખ્સને ઝડપી લીધો છે. આરોપી નબી અહેમદ ભુતકાળમાં પણ હથીયારોની હેરાફેરીના આરોપસર જેલમાં જવા સાથે ર૦૧૬માં જામનગર જેલમાં પાસા પણ ભોગવી ચુકયો છે. આમ પોલીસની  ૭ દિવસથી શરૂ થયેલ વિશેષ ઝુંબેશમાં સાતેય દિવસે પોલીસને ગેરકાયદે શસ્ત્રો પકડવામાં સફળતા મળી છે.

(12:21 pm IST)