Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

દિપક બારડોલીકરની વિદાય

૩૬ વર્ષ પહેલાં કરાંચી ગયા અને તે પછી ઇંગ્લેન્ડમાં રહેતા'તાઃ ગુજરાતી ભાષાના સિધ્ધહસ્ત ગઝલકાર તરીકે દરેક દેશોમાં જાણીતા હતાઃ સાહિત્ય જગતે ઉમદા સર્જકને ગૂમાવી દીધો

રાજકોટ  તા. ૧૩ :.. ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકાર, લેખક અને પત્રકાર દીપક બારડોલીકરનું ગઇકાલે વહેલી સવારે માન્ચેસ્ટરમાં અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા અને પથારીવશ હતાં. તેમનું મુળ નામ મુસાજી ઇસપજી હાફિઝજી હતું. સુરત જિલ્લાના બારડોલીમાં ર૩ નવેમ્બર ૧૯રપ ના રોજ તેમનો જન્મ થયો હતો. ૩૬ વર્ષની ંઉમરે તેઓ પાકિસ્તાનના કરાંચીમાં જઇને વસ્યા હતાં. ત્યાં ૩૦ વર્ષના વસવાટ પછી તેઓ ઇગ્લેન્ડમાં જઇને વસી ગયા હતાં. કરાંચીના દૈનિક અખબાર 'ડોન' ગુજરાતીમાં તેમણે સેવા બજાવી હતી. તે પુર્વે તેમણે ગુજરાતી અખબારો 'મિલ્લત' અને 'વતન' માં સહતંત્રી તરીકેની ફરજ બજાવી હતી.

તેમણે ગઝલો, નઝમો, નવલકથા, આત્મકથા, મુકતકો, રૂબાઇઓ, હાઇકુ, માહિયા વગેરેનું વિપુલ પ્રમાણમાં ખેડાણ કર્યુ હતું. પરિવેશ, મૌસમ, વિશ્વાસ, આમંત્રણ, તલબ, એની શેરીમાં, ગુલમોરના ઘૂંટ, રેલો અષાઢનો, તડકો તારો પ્યાર, ચંપો અને ચમેલી, હવાના પગલાં વગેરે પુસ્તકોમાં તેમના કાવ્યો ગ્રંથસ્થ થયા છે. કુલ્લિયાતે દીપક નામના ગ્રંથમાં તેમની શ્રેષ્ઠ રચનાઓ સામેલ કરાયેલ છે. 'ઉછાળા ખાય છે પાણી અને 'સાંકળોનો સિતમ' તેમની આત્મકથાઓ છે જે  'શબ્દસૃષ્ટિ' સામયિકમાં ધારાવાહિક પ્રગટ થયેલી. તેમણે 'ધુળિયું આકાશ' અને 'બખ્તાવર' નામની નવલકથાઓ પણ લખી છે તેમની પાસેથી ઇસ્લામ ધર્મ અને વ્હોરા સમાજ વિશેના ગ્રંથો પણ પ્રાપ્ત થયા છે, તેમના જવાથી સાહિત્યની દુનિયાએ એક ઉમદા સર્જક એક અચ્છો ઇન્સાન ગુમાવ્યો છે.

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડમાં ગુજરાતી હોવા છતાં તેઓએ ગુજરાતી પત્રકારની ભૂમિકા ભજવી હતી. ૯૦ મા વર્ષના પ્રવેશ સમયે લંડનમાં તેઓનો સન્માન સમારોહ  પણ ગુજરાતી લિટ્રેચર એકેડેમી -લંડન દ્વારા યોજાયો હતો.

અભ્યાસ દરમિયન વ્યાયામ વીર અને ચિત્રકાર બનવાના પ્રયાસો કર્યા હતાં. આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. પહેલાં કોંગ્રેસ સેવા દળ અને તે પછી મુસ્લિમ લીગ નેશનલ ગાર્ડસમાં જોડાયા હતાં. ૧૯૪૮ માં મુંબઇમાં જેલવાસ ભોગવ્યો હતો સાત વર્ષ પાકિસ્તાનમાં વિદ્યાદાન કરી બારડોલી (વતન) પાછા આવ્યા અને ૧૯૬૧ ના કોર્ટના ચુકાદાના કારણે પાછા પાકિસ્તાન ચાલ્યા ગયા જયાં પણ ૧૯૭૭ માં પત્રકારત્વની આઝાદી ખાતર જેલવાસ ભોગવ્યો હતો.

ત્રણ દેશમાં ગુજરાતી ભાષાની સેવાને વરેલા આવા 'દિપક' ઝળહળી રહ્યા હતા અને ગુજરાતી ભાષા એ સાથે સાથે જીવતદાન પામી રહી હતી એ જ 'દિપક' આજે બુઝાઇ જતા સાહિત્ય પ્રેમીઓએ પણ ઉંડા આઘાતની લાગણી અનુભવી છે. પોતે ખુદ એક મુકતકમાં કહે છે. 

તિરસ્કારની

તાતી તલવાર સામે

ધીરજની ધીંગી ઢાલ હતી!

આખરે -

તલવાર તૂટી ગઇ!

વો દૂસરો કે દિયે સે, ઉજાલે લે કે જી ગયા,

 યે ખૂદ 'દિપક' બનકે, દૂસરો કો ઉજાલે દે ગયા

-દિપક બારડોલીકર

(11:34 am IST)