Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મોરવાડા માઇનોર 2 કેનાલમાં 10 ફૂટનું ગાબડું : જુવારના ઉભા પાકમાં બબ્બે ફૂટ પાણી ભરાયું

ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો: પાકને વ્યાપક નુકશાન

 

બનાસકાંઠાની મોરવાડા માઇનોર 2 કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં જુવારના ઉભા પાકમાં બબ્બે ફૂટ પાણી ભરાયું છે. કેનાલની સફાઈ કર્યા માઇનોર 2 કેનાલમાં વધુ પાણી છોડી દેવાતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયુ હતુ. ખેતરમાં કાપણી પર ઉભેલા બે એકર જુવારના ઉભા પાકમાં બબ્બે ફૂટ પાણી ભરાઈ જતાં ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોના પાકને નુકસાન થઇ રહ્યું હોવા છતા નર્મદા કેનાલના અધિકારીઓ કેનાલની સફાઇ કામગીરીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે.

  મોરવાડા ડિસ્ટ્રી.માંથી નીકળતી મોરવાડા માઇનોર 2 કેનાલમાં સાફ સફાઈ કરવામાં આવી નથી. ખેડૂતોએ કેનાલની સફાઈ બાબતે તંત્રને રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવાને બદલે કેનાલમાં પાણી ચાલુ કરી દીધું છે. જેમાં બુધવારની રાત્રે વધુ પાણી છોડી દેવાતાં મોરવાડાના ખેડૂત શંકરભાઇ દેવસીભાઈ પ્રજાપતિના ખેતરમાં 10 ફૂટ જેટલી કેનાલ તૂટી ગઈ હતી  અવાવરું કેનાલોમાં પાણી છોડી દેતાં કેનાલો તૂટી રહી છે,જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે,એક બાજુ વારંવાર કમોસમી વરસાદ ને લીધે ખરીફ પાકો બગડી રહ્યા છે,તો બીજી બાજુ આમ કેનાલો તૂટી રહી છે,જે ખેડૂતોને પડતા પર પાટું સમાન હોવાનો બળાપો વ્યક્ત કરી રહ્યા છે.

(1:01 am IST)