Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જસ્ટિસ શાહના સત્કાર રૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ૧૬મીએ આયોજન મુખ્યમંત્રી રૂપાણી અને હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ અનંત દવે સહિતના કેટલાક મહાનુભાવો ઉપસ્થિત રહેશે

અમદાવાદ, તા.૧૩ : ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા તાજેતરમાં સુપ્રીમકોર્ટમાં નિયુકત થયેલા આપણા ગુજરાતના જસ્ટિસ શ્રી એમ.આર.શાહ અને સુપ્રીમકોર્ટના સોલીસીટર જનરલ તુષાર મહેતાના સત્કાર સમારોહનું તા.૧૬મી ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જસ્ટિસ શ્રી એમ.આર.શાહે ગુજરાત હાઇકોર્ટમાં વરિષ્ઠ ન્યાયમૂર્તિ તરીકે અને ગુજરાતના ન્યાયતંત્રનું નામ રોશન કરી સમગ્ર ન્યાયતંત્ર માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હોવાથી તેમ જ અગાઉ શ્રી તુષાર મહેતાએ પણ હાઇકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સેવાઓ આપી હોવાથી તેઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્કાર સમારોહમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ શ્રી અનંત એસ.દવે, રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદી ઉપરાંત ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન કે.દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલા સહિતના અનેક મહાનુભાવો ખાસ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, ત્રણેક મહિના પહેલાં શહેરમાં બિસ્માર રસ્તાઓ, આડેધડ પાર્કિંગ અને રખડતા ઢોરોની સમસ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી એમ.આર.શાહે અમ્યુકો, પોલીસ તંત્ર સહિતના સત્તાધીશોને કરેલા અસરકારક નિર્દેશોનું જ પરિણામ છે કે, હાલ અમદાવાદ અને રાજયના મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન, આડેધડ પાર્કિંગ, ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરવા અંગે અસરકારક ડ્રાઇવ ચાલી રહી છે. જસ્ટિસ એમ.આર.શાહના બાહોશીભર્યા અંદાજ અને જ્ઞાનસભર તેમ જ અભ્યાસુ ચુકાદાઓને લઇને માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશના ન્યાયતંત્રમાં તેમણે એક અનોખુ ઉદાહરણ અને પ્રેરણા પૂરા પાડયા હતા. ગુજરાતના ન્યાયતંત્રમાં જસ્ટિસ શ્રી એમ.આર.શાહે સોનેરી ઇતિહાસ રચી તેમની છબી યાદગાર બનાવી દીધી છે. ગુજરાતભરના લોકોમાં આટલી બધી લોકપ્રિયતા અને અદ્ભુત લોકચાહના મેળવનાર તેઓ એકમાત્ર જજ છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે બિસ્માર રસ્તાઓની વાત, સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ હોય કે, પછી પ્રજાજનોના આરોગ્ય અને પ્રાથમિક બુનિયાદી સુવિધાઓની વાત હોય. અનેકવિધ બાબતોને લઇ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે અનેક સીમાચિહ્નરૂપ અને દૂરોગામી અસરો પાડનારા અતિ મહત્વના ચુકાદાઓ આપી સમગ્ર ન્યાયતંત્રમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું અને ગુજરાત ન્યાયતંત્રમાં એક સોનેરી ઇતિહાસ રચ્યો હતો. તેમની અસાધારણ કામગીરીથી પ્રભાવિત થઇને જ વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહની સુપ્રીમકોર્ટ જજ તરીકે પસંદગીની મ્હોર મરાઇ હતી. ગુજરાતના ન્યાયતંત્રના સૌથી લોકપ્રિય જજ એવા સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહની અસાધારણ કામગીરી પરત્વે કૃતજ્ઞતા વ્યકત કરવાના હેતુથી જ તેમનો આ વિશેષ સત્કાર સમારોહ તા.૧૬મી ડિસેમ્બરે સવારે દસ વાગ્યે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે બાર કાઉન્સીલ દ્વારા આયોજિત કરાયો છે. આ જ પ્રકારે સુપ્રીમકોર્ટના સોલીસીટર જનરલ અને મૂળ અમદાવાદના તુષાર મહેતાએ પણ અગાઉ હાઇકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પ્રશંસનીય સેવાઓ આપી હોઇ તેમનું અભિવાદન પણ આ પ્રસંગે કરવામાં આવશે.

(9:57 pm IST)