Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

૫૭૭૫૩ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

૫૭૫ કરોડની મગફળીની હજુ સુધી ખરીદી : ૧૧૫૧૯૪૮ ક્વિન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી

અમદાવાદ,તા.૧૨ : રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર-૨૦૧૮ સુધીમાં રાજ્યભરમાં ૫૭૭૫૩ ખેડૂતો પાસેથી ૫૫૭.૯૭ કરોડની કિંમતની ૧૧૫૧૯૪૮ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧૫/૧૧/૨૦૧૮થી ખરીદી શરૂ કરાઇ છે. મગફળીના ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરાયેલા રાજ્યભરના કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર ખાતે સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા તા. ૧લી નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નોંધણીના  ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે જે તે વિસ્તારના ખેડૂતો જે તે વિસ્તારના એપીએમસી સેન્ટર ખાતે મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા.  આ પ્રક્રિયા અંતર્ગત તારીખ ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૧૩/૧૨/૨૦૧૮ સુધીમાં રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫,૦૦૦ મુજબ રાજ્યભરના ૫૭૭૫૩ ખેડૂતો પાસેથી કુલ ૫૭૫.૯૭ કરોડની ૧૧૫૧૯૪૮ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. રાજ્યભરના ખરીદ કેન્દ્રો ખાતે પૂરતી સંખ્યામાં બારદાન, વજનકાંટા તથા ખરીદી પ્રક્રિયા માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે અને ૧૪/૧૨/૨૦૧૮થી ક્રમાનુસાર વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ છે. ખેડૂતોને વધુને વધુ રાહત આપવાના ઇરાદાથી ખરીદી કરવામાં આવી રહી છે. મગફળીની ખરીદીને લઇ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો જુદા જુદા કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે. ખેડૂતોની સુવિધા માટે ૧૨૨ એપીએમસી સેન્ટર બનાવવામાં આવી ચુક્યા છે. ખેડૂતો જે તે વિસ્તારમાં એપીએમસી ખાતે પહોંચ્યા છે તેમના માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. ૧૫મી નવેમ્બરથી ખરીદીની શરૂઆત થઇ હતી. હવે આ ખરીદી ૧૩મી ડિસેમ્બરથી ક્રમાનુસાર વધુ સંખ્યામાં કરવામાં આવનાર છે. વધુને વધુ ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

(9:51 pm IST)