Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

અમદાવાદ-ગાંધીનગરમાં પારો જોરદારરીતે ગગડ્યો

અમદાવાદમાં ફરીથી ઠંડીનો જોરદાર ચમકારો : અમદાવાદમાં પારો બુધવારની સરખામણીમાં પાંચ ડિગ્રી ગગડીને ૧૨.૪ ડિગ્રી : મોટાભાગના લોકો ગરમ વસ્ત્રોમાં

અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો રહ્યો હતો. અમદાવાદમાં પાંચ ડિગ્રીથી પણ વધુનો ઘટાડો થયો હતો. તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગઇકાલે બુધવારના દિવસે લઘુત્તમ તાપમાન ૧૭.૬ની સરખામણીમાં આજે તાપમાન ગગડીને ૧૨.૪ ડિગ્રી થઇ ગયું હતું. હાલમાં કેટલાક રાજ્યોમાં તીવ્ર ઠંડી માટે માવઠાની અસર પણ જવાબદાર છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. જો કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પારો આજે ગગડીને ૧૨.૪ ડિગ્રી રહ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામી દિવસોમાં પારો હજુ પણ ગગડી શકે છે. આજે સૌથી વધારે ઠંડીનો અનુભવ ગાંધીનગરમાં થયો હતો જ્યાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો  ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ રહેશે.  હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જો કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. વરસાદ પણ પડ્યો છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૨.૪

ડિસા

૧૨.૪

ગાંધીનગર

૧૧.૪

વીવીનગર

૧૪

વડોદરા

૧૫.૧

સુરત

૧૫.૪

વલસાડ

૧૨.૬

અમરેલી

૧૩.૧

પોરબંદર

૧૭.૬

રાજકોટ

૧૩.૩

સુરેન્દ્રનગર

૧૪.૫

મહુવા

૧૪.૩

ભુજ

૧૪.૩

નલિયા

૧૩

કંડલા પોર્ટ

૧૫.૫

કંડલા એરપોર્ટ

૧૩

(9:47 pm IST)