Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સેસન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન મંજુર ન થયા, એસીબીએ ભાગેડુ જાહેર કરવા તજવીજ કરીઃ ડીવાયએસપી નાઈની ધરપકડની ભીતરમાં

ખોટા કેસમાં દોઢ લાખ મળ્યા હતા છતાં લાલચ જાગી અને વધુ પોણો લાખ માંગેલઃ રેડમાં જેમના નામ હતા તેઓ ગયા જ ન હતા : સીસીટીવી ફુટેજમાં વિરમગામના ડીવાયએસપીની હાજરી પોલીસ મથકમાં જણાતા, હવે કેશવકુમાર છોડશે નહિં તેવી ભીતિ લાગી હતી

રાજકોટ, તા. ૧૩ :. એક હોટલ માલિક સામે દારૂનો ખોટો કેસ ન કરવા તથા આરોપીનું જાહેરમા સરઘસ કાઢી માર ન મારવા માટે પોણા ત્રણ લાખની લાંચ માંગવાનો જેમના પર આરોપ હતો તેવા વિરમગામના ડીવાયએસપી વી.કે. નાઈ અંતે સેસન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન મેળવવામાં નિષ્ફળ જતા અને બીજી તરફ એસીબી દ્વારા તેમને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહીની ગંભીરતા સમજી જતા હાજર થતા જ તેઓની ધરપકડ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ કરી લેવામાં આવી હતી.

અત્રે યાદ રહે કે ગત સપ્ટેમ્બર માસમાં એજાજ ઘાંચી નામના શખ્સને હોટલના પાછળના ભાગેથી દારૂની ૧૯ નાની-મોટી બોટલોનો પકડવાનો કેસ થયો હતો. પોલીસ તંત્રમાં અને બુટલેગરોમાં ચાલતી ચર્ચા મુજબ આ કેસ ઉભો કરવામાં આવ્યો હતો. ફરી મૂળ વાત પર આવીએ તો આ પ્રકરણમાં બે શખ્સોને સકંજામાં લઈ એજાજ ઘાંચીનું નામ યેનકેન પ્રકારે ખોલાવી પોણા ત્રણ લાખની લાંચ મંગાયેલ હતી. દોઢ લાખ રૂપિયા આપ્યા પછી વધુ પોણો લાખની માંગણી થતા અને ફરીયાદ એસીબી સુધી પહોંચતા એક કોન્સ્ટેબલને ટ્રેપમાં ઝડપી લેવામાં આવ્યો હતો.

એસીબીએ ઘનિષ્ઠ પૂછપરછ કરી અને તપાસનો ધમધમાટ બોલાવતા વિરમગામના ડીવાયએસપી નાઈનું નામ ખુલવા પામેલ. બીજી તરફ ડીવાયએસપી નાઈને એસીબી વડા કેશવકુમાર તેમને છોડશે નહિ તેઓ અંદાજ આવી જતા આગોતરા જામીન મેળવવા દોડધામ શરૂ કરી હતી અને નાસી છૂટયા હતા. તેઓએ સેસન્સ કોર્ટમા જામીન ન મળતા હાઈકોર્ટમાં પણ પહોંચ્યા હતા. એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ એસીબીના કાનૂન નિષ્ણાંતોએ જડબેસલાખ પેપરવર્ક કર્યુ હોવાથી તેઓ હાઈકોર્ટમાં પણ ફાવ્યા ન હતા.

નવાઈની બાબત એ છે કે, આ મામલામાં દોઢ લાખ મળ્યા હોવા છતાં વધુ રકમ પડાવવા જવાના લોભને કારણે મામલો એસીબી સુધી પહોંચ્યો હતો. બીજી તરફ રેડમાં જેમના નામ બતાવેલ તેવા પીએસઆઈ નીનામા અને સ્ટાફના ચોકકસ લોકો રેડ પાડવા ગયા જ નથી તેવુ ખુલ્યુ હતું. પીએસઆઈ નીનામા વગેરે પણ આ બાબતે સમર્થન આપ્યુ હતું. ડીવાયએસપીની હાજરી પણ પોલીસ સ્ટેશનમાં હોવાનું જ ખુલ્યુ હતું. અને આમ તેમની ધરપકડ સુધીનો માર્ગ ખુલ્યો હતો.

(3:29 pm IST)