Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બાયડના ધારાસભ્યે વેપારી પાસે 40 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ

હડિયોલ ગામના ડેમમાં માછીમારીનો કોન્ટ્રાકટરને શાંતિથી માછીમારી કરવી હોય તો 40 લાખ આપવા પડશે :ધમકી

હિંમતનગર : હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્થાનિક ધારાસભ્યની વિરુદ્ધ જ ફરિયાદ નોંધાઇ છે. ધારાસભ્ય વિરુદ્ધ ખંડણીનાં આરોપોની ફરિયાદ નોંધાઇ છે. બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માછીમારી કરનારા એક વેપારી પાસે 40 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે.

 વેપારીનો આરોપ છે કે તેણે હિંમત નગર તાલુકાનાં હડીયોલ ગામના ડેમમાં માછીમારીનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જો કે બાયડનાં ધારાભ્યએ તેને ધમકી આપી હતી કે શાંતિથી માછીમારી કરવી હોય તો 40 લાખ રૂપિયા ખંડણી આપવી પડશે. 

હસમુખભાઇ પટેલ દ્વારા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદની સાથે સાથે પુરાવા તરીકે વેપારીએ ધારાસભ્ય સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ સબમીટ કરાવી છે. ઘટનાની વિગતો અનુસાર હસમુખ પટેલ ફીશરીઝનો વેપાર કરે છે. વર્ષ 2017નાં વર્ષમાં વાત્રક ડેમનું ટેન્ડર સૌથી ઉંચા ભાવે ભર્યું હતું. જેથી માછીમારીનો ઇજારો તેમને મળ્યો હતો. જો કે તેઓ શાંતિથી વેપાર કરી શકે તે માટે 2017ની ચૂંટણીમાં બાયડ-માલપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇને આવેલા ધવલસિંહ ઝાલાએ 40 લાખની ખંડણીની માંગ કરી હતી.

(12:44 pm IST)