Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સેન્ટ્રલ જેલમાં હપ્તા રાજ! ફોનના ઉપયોગ માટે રૂ. ૧૫૦૦૦, મનગમતા ભોજન માટે રૂ. ૧૦૦૦૦

કેદીઓ પાસેથી મળતી કટકી છેક આઇપીએસ અધિકારી સુધી પહોંચે છે

વડોદરા તા. ૧૩ : રાજયની વિવિધ જેલમાં થતા જલસાઓ તો અનેક વખત બહાર આવ્યા છે. સુરક્ષા પર સવાલ પણ ઉઠે છે. ત્યારે વધુ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે.  જેલમાં કેદ કેદીઓએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચાલતી પોલંપોલનો વીડિયો વાયરલ કરી જણાવ્યું છે કે, કેદીઓને કેવી રીતે વીવીઆઇપી ટ્રીટમેન્ટ અપાય છે. કેદીઓની સરભરા માટે કઇ કઇ વસ્તુઓ પહોંચે છે. આ ઘટસ્ફોટ કર્યો છે જેલમાં જ કેદ કેદીઓએ.

વાયરલ થયેલા વીડિયોમાં તેઓ બિંદાસ રીતે આરોપ લગાવી રહ્યા છે કે જેલમાં સંત્રીથી લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી કેટલા રૂપિયા પહોચે છે એટલે કે જેતે કેદીઓને જે સવલતો અપાય છે તેની પાછળ ખર્ચવા પડે છે હજારો રૂપિયા.

પ્રાપ્ત માહિતી અનુસાર, હત્યાના ગુનામાં જેલમાં બંધ કેદીઓએ આ વાતનો ખુલાસો કર્યો છે. આ કેદીઓ ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે, જેલમાં ૨૫૦થી વધારે ફોન ફરી રહ્યા છે. એટલે કે એવું લાગે કે જાણે કે જેલમાં જ મોબાઇલ શોપ હોય. કેદીઓનો આરોપ છે કે, ફોનના ઉપયોગ માટે મહિને ૧૫ હજાર રૂપિયા સુધી અધિકારીઓને આપવા પડે છે. તો મનગમતા ભોજન માટે મુખ્ય દરવાજાના અધિકારીઓને દર મહિને ચુકવવા પડે છે દસ હજાર રૂપિયા. આ અમે નથી કહેતા પણ જેલમાં કેદ પાકા કામના કેદીઓ જ સેન્ટ્રલ જેલની પોલ ખોલી રહ્યા છે. તેમનો તો આરોપ એવો પણ છે કે કેદીઓ પાસેથી મળતી કટકી છેક આઇપીએસ અધિકારી સુધી પહોંચે છે.

આ વીડિયો કયાર નો છે કોણે રેકોર્ડ કર્યો છે તે વિશેની કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. પરંતુ ન્યૂઝ ૧૮ ગુજરાતીને હાથ લાગેલા આ વીડિયોમાં જેલમાં કેદી બિન્દાસ પણે કહી રહ્યો છે કે જેલના જ અધિકારીઓ ભ્રષ્ટ છે જેઓ કેદીઓને મનગમતુ ભોજન પીરસે છે, મોબાઇલ ફોનની સુવિધા તો સામાન્ય બની ગઇ છે. બસ કેદીની રૂપિયા ખર્ચવાની જેટલી તાકાત એટલી તેને વધુ સવલતો મળે છે. હવે આ વીડિયો બાદ રાજય સરકારના ગૃહવિભાગને તટસ્થ તપાસ કરવાનું સુઝે તો સારી વાત છે. નહિંતર આવી પોલંમપોલ દરેક જેલમાં ચાલતી જ રહેશે. પછી કેદી જેલની અંદર રહે કે, બહાર કોઇ ફરક નથી પડતો કારણ કે જેલમાં જ તેને મળી રહે છે રૂપિયાની સામે તમામ સુખ સગવડો.(૨૧.૪)

(10:00 am IST)